ઉત્તર મહારાષ્ટ્રમાં આગ ઓકતી ગરમી, 15 જિલ્લામાં એલર્ટ
મુંબઈઃ દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. દેશના અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં ગરમીની 7 લોકોનાં મોત થયા છે, જ્યારે 31 બીમાર પડ્યા છે. ઉત્તર મહારાષ્ટ્રમાં આગ ઓકતી ગરમી પડી રહી છે. માત્ર મહારાષ્ટ્ર જ નહીં દેશના અનેક રાજ્યોમાં આવી સ્થિતિ છે. તંત્ર દ્વારા હીટ એક્શન પ્લાન લાગુ કરવામાં આવ્યો છે. ગરમીના કારણે સ્કૂલોનો સમય બદલવામાં આવ્યો છે, હોસ્પિટલોમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં ક્યાં થયા 7 લોકોનાં મોત
વાશિમના ડોંગરકીન્હી ગામમાં રહેતા 25 વર્ષીય યુવક 43 ડિગ્રી તાપમાનનાં ખેતરમાં હળદર પ્રોસેસિંગનું કામ કરતો હતો. તે સમયે લૂ લાગતાં તે ખેતરમાં જ ઢળી પડ્યો હતો. હોસ્પિટલ લઈ જતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. લાતુરના ઔરાદ શહાજાનીમાં 60 વર્ષીય ખેડૂતને સોમવારે બપોરના સમયે ખેતરમાં કામ કરતા હતા તે સમયે ચક્કર આવતા ઢળી પડ્યા હતા. જે બાદ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેમનું મોત થયું હતું. અહિલ્યાનગરના પારેનરના માલવાડીમાં 45 વર્ષીય મહિલા ખેતરમાં પશુઓ માટે નીરણ લેવા ગઈ હતી. લૂ લાગવાથી તેનું મોત થયું હતું. આ ઉપરાંત શ્રીગોંદામાં એક અન્ય 45 વર્ષીય ખેડૂતનું પણ મૃત્યુ થયું હતું.
અકોલાના જુના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઓટો ડ્રાઈવર તેના વાહનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં લૂ લાગવાથી તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જલગાંવના પાલધીમાં 38 વર્ષીય યુવકની કામ દરમિયાન તબિયત લથડી હતી. માથાનો દુખાવો, ચક્કર આવવાની તકલીફ બાદ તેને હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સોલાપુરના મોહોલમાં 67 વર્ષીય ખેડૂતે ખેતીકામ દરમિયાન પરસેવો અને ગભરામણની ફરિયાદ કર્યાના ગણતરીની મિનિટોમાં જ મૃત્યુ થયું હતું.
મહારાષ્ટ્રના 15 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ
મહારાષ્ટ્રના લગભગ 15 જિલ્લાઓમાં હીટવેવ (લૂ) નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અકોલા દેશના સૌથી ગરમ શહેરોમાં સામેલ થઈ ગયું છે, અહીં તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું છે. અમરાવતીમાં તાપમાન 43.4 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જલગાંવ, નાગપુર અને પરભણીમાં પારો 42 ડિગ્રીથી 44 ડિગ્રીની વચ્ચે પહોંચી રહ્યો છે, જેના કારણે લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. મુંબઈ અને કોંકણમાં પણ વધતા તાપમાનની સાથે ભારે અકળામણથી લોકોની હાલત કફોડી બની છે.
વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા કડક પગલાં
વધતા જતા જોખમને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ જિલ્લા વહીવટીતંત્રોએ કડક આદેશો જારી કર્યા છે. અમરાવતીમાં 21 થી 30 એપ્રિલ સુધી શાળાઓ અને આંગણવાડીઓ માત્ર સવારે 7 થી 10 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. જ્યારે નાગપુરમાં શાળાઓ માત્ર સવારે 10:30 વાગ્યા સુધી જ ચાલશે. અકોલાણાં કોચિંગ ક્લાસ અને કોલેજો 11 વાગ્યા પછી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી હોવાથી પરીક્ષા કેન્દ્રો પર ઠંડા પાણી અને પંખાની ફરજિયાત વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.
હીટસ્ટ્રોક વોર્ડ શરૂ કરાયા
વધતા તાપમાન વચ્ચે સરકારે પણ તૈયારી શરૂ કરી છે. અકોલા જિલ્લા હૉસ્પિટલમાં 14 બેડનો સ્પેશિયલ હીટસ્ટ્રોક રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જલગાંવ અને પરભણીના ગ્રામીણ સ્વાસ્થ્ય કેન્દ્રોમાં પણ હીટસ્ટ્રોક વોર્ડ શરૂ કરાયા છે. અકોલમાં બપોરે 12 થી 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાની વિનંતી કરવામાં આવી છે.
પૂર્વ પ્રધાન એકનાથ ખડસેએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને હીટસ્ટ્રોકને કુદરતી આફફતની શ્રેણીમાં સામેલ કરવાની માંગ કરી છે. તેમણે સરકારને મૃતકોના પરિવારજનોને તાત્કાલિક 10 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવા પણ કહ્યું છે.
દેશમાં ક્યાં ક્યાં છે હીટવેવનું એલર્ટ
હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબમાં 21 થી 24 એપ્રિલ, પૂર્વ ઉત્તર પ્રદેશમાં 21 થી 25 એપ્રિલ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને સિક્કિમમાં 21 થી 25 એપ્રિલ, ઓડિશા અને ઝારખંડમાં 23 થી 25 એપ્રિલ, વિદર્ભમાં 24 થી 26 એપ્રિલ સુધી હીટવેવની શક્યતા છે.