Mon Jun 08 2026

Logo

ઈન્ટરનેટના ઉપયોગમાં બાળ સુરક્ષા યંત્રણા વિકસાવવાના પ્રયાસો નિષ્ફળ, ટાસ્ક ફોર્સની સ્થાપના કરાશે: પ્રધાન

2026-03-18 19:24:37
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
બાળકોમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વધતા જતા, કેટલીક વખત અનિયંત્રિત ઉપયોગ વચ્ચે સલામતીને પ્રોત્સાહન આપવાના મહારાષ્ટ્ર સરકારના પ્રયાસો અપૂરતા સાબિત થઈ રહ્યા છે, જેના કારણે રાજ્યના આઈટી વિભાગને આ મુદ્દાનો અભ્યાસ કરવા માટે એક નિષ્ણાત ટાસ્ક ફોર્સની સ્થાપના કરવાની ફરજ પડી છે, એમ રાજ્યના પ્રધાન આશિષ શેલારે બુધવારે જણાવ્યું હતું. ટાસ્ક ફોર્સ પોતાનો અહેવાલ રજૂ કરે તે પછી, સરકાર બાળ સુરક્ષા વધારવા, શિક્ષણને મજબૂત બનાવવા, ડિજિટલ સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અને ટેકનોલોજીના જવાબદાર ઉપયોગને પ્રોત્સાહિત કરવાના પગલાં લેવાનો નિર્ણય લેશે, એમ આઈટી વિભાગના પ્રધાન આશિષ શેલારે વિધાન પરિષદમાં જણાવ્યું હતું.

એમએલસી સત્યજીત તાંબે દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નના લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મોબાઈલ ફોન, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના ઉપયોગમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સર્વેક્ષણો દર્શાવે છે. સ્ક્રીન-સમય મર્યાદા, માતાપિતા નિયંત્રણો અને વય-આધારિત પ્રતિબંધો જેવા પગલાં દ્વારા આવા ઉપયોગને પ્રતિબંધિત કરવા અથવા નિયંત્રિત કરવા માટે નિયમો ઘડવા માટે માતાપિતા સંગઠનો અને સામાજિક જૂથો સહિત વિવિધ વર્ગો તરફથી માંગણીઓ વધી રહી છે, એમ શેલારે નોંધ્યું હતું. તેમણે ગૃહને એવી માહિતી આપી હતી કે માતાપિતા, નિષ્ણાતો અને જનપ્રતિનિધિઓએ વારંવાર ચિંતા વ્યક્ત કરી છે કે સ્ક્રીન સમય વધવાથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય, અભ્યાસ અને સામાજિક વર્તણૂક પર પ્રતિકૂળ અસર પડી રહી છે.

‘ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો અનિયંત્રિત ઉપયોગ, ઓનલાઈન ગેમિંગ, વાંધાજનક સામગ્રી અને સાયબર ગુનાઓ બાળકોની સલામતી માટે જોખમો વધારી રહ્યા છે, અને આ સંદર્ભમાં સરકારી યોજનાઓ અને જાગૃતિ પહેલના પરિણામો અપેક્ષા મુજબ રહ્યા નથી,’ એમ તેમણે જણાવ્યું હતું.
આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને, સરકારે આ મુદ્દાનો વ્યાપક અભ્યાસ કરવા માટે માહિતી ટેકનોલોજી વિભાગના માધ્યમથી એક નિષ્ણાત ટાસ્ક ફોર્સની સ્થાપના કરવાની છે. શેલારે જણાવ્યું હતું કે, ટાસ્ક ફોર્સમાં સંબંધિત ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થશે અને બાળકોના ડિજિટલ ઉપયોગના અનેક પાસાઓની તપાસ કરવામાં આવશે. તે સગીરોમાં સોશિયલ મીડિયાના ઉપયોગની પ્રકૃતિ અને હદ, તેની માનસિક, શારીરિક અને શૈક્ષણિક અસર અને ડિજિટલ જાહેરાતો અને ઓનલાઈન પ્લેટફોર્મના પ્રભાવનો પણ અભ્યાસ કરશે. તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમનકારી માળખાની પણ સમીક્ષા કરશે અને જરૂરી કાનૂની, તકનીકી અને વહીવટી પગલાં સૂચવશે, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, આ ટાસ્ક ફોર્સ નિર્ધારિત સમયગાળામાં પોતાનો અહેવાલ રજૂ કરશે, ત્યારબાદ સરકાર બાળ સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા, શિક્ષણને મજબૂત કરવા, ડિજિટલ સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અને ટેકનોલોજીના જવાબદાર ઉપયોગને સક્ષમ બનાવવા માટે વધુ નિર્ણયો લેશે.
રાજ્ય જાગૃતિ અભિયાનને મજબૂત બનાવવા, શાળાઓ અને વાલીઓ વચ્ચે સંકલન સુધારવા અને જો જરૂરી હોય તો, બાળકો દ્વારા ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગને નિયંત્રિત કરવા માટે કાનૂની જોગવાઈઓ રજૂ કરવા જેવા પગલાં લેવા પર વિચાર કરી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.