મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખગોળ વિજ્ઞાન અને અવકાશ પ્રેમીઓ માટે રાજ્યભરમાં આંતરરાષ્ટ્રીય ડાર્ક સ્કાય પર્યટન સર્કિટ વિકસાવવાની મહત્વકાંક્ષી યોજના તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકાશ પ્રદૂષણ ઘટાડીને રાતના સમયે આકાશની સુરક્ષા કરવાનો તેમ જ એસ્ટ્રો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવાનો છે.
રાજ્ય સરકાર મહારાષ્ટ્ર પર્યટન નીતિ 2024 હેઠળ એક વિશેષ સબ-પોલિસી પર કામ કરી રહી છે, જે અંતર્ગત ડાર્ક-સ્કાય ઇન્ટરનેશનલ દ્વારા પ્રમાણિત સ્થળો વિકસાવવામાં આવશે. આ માટે ડાર્ક સ્કાય સર્ટિફિકેશન એટલે કે મહારાષ્ટ્રમાં જે સ્થળોએ પ્રકાશ પ્રદૂષણ નહિવત છે, તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણિત કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા લોણાર લેક (બુલઢાણા), તાડોબા અંધારી ટાઈગર રિઝર્વ (ચંદ્રપુર), ભંડારદારા ડેમ (અહલ્યાનગર), ભીમાશંકર (પુણે) અને તોરણમાળ (નંદુરબાર) જેવા મહત્વના સ્થળોની પસંદગી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં રાતના સમયે આર્ટિફિશિયલ લાઈટ અને બાહ્ય પ્રકાશના ઉપયોગ પર કડક નિયમો લાદવામાં આવશે.
સરકાર દ્વારા એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે કે આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીમાં વધારો થશે તેમ જ પર્યટકોને નાઈટ સ્ટે કરવા માટે પ્રોત્સાહન મળશે અમે એને કારણે રાજ્યના અર્થતંત્રને વેગ મળશે. મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી રાતના સમયે આકાશની સુરક્ષાથી વનસ્પતિ અને પ્રાણીઓના સ્વાસ્થ્ય તેમજ જૈવવિવિધતામાં પણ સુધારો જોવા મળશે.
મહારાષ્ટ્ર સરકારના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને કારણે હવે જ્યારે પણ રાતના સમયે ચાંદામામા અને તારાઓને જોવાનું મન થાય તો તમારે બહુ લાંબે નહીં જવું પડે. છે ને એકદમ કામની માહિતી? આ સમાચાર તમારા મિત્રો સાથે પણ શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને. આવી જ બીજા કામના સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.