Thu Jul 23 2026

Logo

પશ્ચિમ કચ્છમાં રેતી માફિયાઓ સામે કાર્યવાહી; માંડવીના રાયણ અને જખણીયામાંથી ૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત

2026-07-23 16:29:00
Author: Vimal Prajapati
Article Image

ભુજ: રાજ્યમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યાં છે, જેને લઈને ખાણ-ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ચોરી ડામવા ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ભુજ ભૂસ્તરશાસ્ત્રી ડી. એસ. બારીયાની ટીમે છેલ્લા પાંચ દિવસમાં માંડવી તાલુકામાં બે સફળ દરોડા પાડીને કુલ રૂપિયા 90 લાખની કિંમતના છ વાહનો અને મશીનરી સીઝ કરી છે.

ખનિજ ચોરી ડામવા ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી

મળતી વિગતો પ્રમાણે ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં ગત 17 જુલાઈના રોજ માંડવીના નાની-મોટી રાયણ ગામના નદીપટમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા એક લોડર, એક ડમ્પર અને બે ટ્રેક્ટર (કિંમત રૂપિયા 50 લાખ) જપ્ત કરાયા હતા. ત્યારબાદ 21જુલાઈના રોજ જખણીયા ગામ નજીકના નદીપટમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી રૂપિયા 40 લાખની કિંમતનું અન્ય એક લોડર અને ડમ્પર સીઝ કરવામાં આવ્યું હતું.

ખાણ ખનિજ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, કુદરતી ખનિજ સંપત્તિનું ગેરકાયદે ખનન કે પરિવહન ચલાવી લેવાશે નહીં અને કાયદાનો ભંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી ચાલુ રહેશે. આ કડક ઝુંબેશને પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(ઉત્સવ વૈદ્ય)