મુંબઈ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ હવે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. ચૂંટણી પંચના કથિત પક્ષપાતી અને ભ્રષ્ટ કારભારના વિરોધમાં તથા જ્ઞાનેશ કુમારને પદ પરથી બરતરફ કરી તેમની ધરપકડ કરવાની માંગ સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસ દ્વારા સોમવાર, 28 સપ્ટેમ્બરે સમગ્ર મહારાષ્ટ્રમાં આંદોલન કરવામાં આવશે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચનો કારભાર કેન્દ્રની ભાજપ સરકારને ફાયદો થાય તે રીતે ચાલી રહ્યો છે અને ચૂંટણી પ્રક્રિયામાં નિષ્પક્ષતા તથા પારદર્શિતાનો અભાવ છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી પંચ દ્વારા લોકશાહી અને બંધારણીય મૂલ્યો સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
કોંગ્રેસે મતદાર યાદીઓમાં થયેલા ફેરફારોનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. પાર્ટીનો દાવો છે કે એસઆઈઆર અભિયાન હેઠળ દેશભરમાં લગભગ 13 કરોડ મતદારોનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે, જેમાં મહારાષ્ટ્રના ત્રણ કરોડથી વધુ મતદારોનો સમાવેશ થાય છે. કોંગ્રેસે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 દરમિયાન વધેલા 47 લાખ મતદારો અંગે હવે સ્પષ્ટતા કેમ કરવામાં આવી રહી નથી.
બિહાર અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન પણ મોટી સંખ્યામાં મતદારોનાં નામ યાદીમાંથી દૂર કરાયા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા અગાઉ ઉઠાવવામાં આવેલા ‘વોટ ચોરી’ના આરોપોને આ મુદ્દાઓથી સમર્થન મળ્યું હોવાનો દાવો પણ પ્રદેશ કોંગ્રેસે કર્યો છે.
કોંગ્રેસે જણાવ્યું છે કે નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી માટે ચૂંટણી પંચની કામગીરી અંગે જવાબદારી નક્કી થવી જરૂરી છે. આ માંગ સાથે 28 સપ્ટેમ્બરે રાજ્યના તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન યોજાશે. પ્રદેશ કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આંદોલનમાં પક્ષના જિલ્લા સ્તરના નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકરો ઉપરાંત ધારાસભ્યો અને સાંસદો પણ ભાગ લેશે