મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે ખાતરી આપી હતી કે સરકાર મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ' કલ્યાણ યોજના બંધ કરશે નહીં.સીએમની આ ટિપ્પણી ઇકેવાયસી (ખાતેદારની જાણકારી)) ચકાસણી માટે 30 એપ્રિલની સમય મર્યાદા પછી આવી છે. ચકાસણીમાં લગભગ 80 લાખ લાભાર્થીઓને આ યોજનામાંથી દૂર કરવામાં આવ્યા હતા. આ બાબતે વિપક્ષએ આકરી ટીકા કરી હતી.
પ્રધાનમંડળની સાપ્તાહિક બેઠક પહેલા સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે યોજના શરૂ થયા પછી લાભાર્થીઓની ચકાસણી શરૂ કરવામાં આવતા ઘણી ગેરરીતિઓ ધ્યાનમાં આવી હતી.
આ યોજના રજૂ કરવામાં આવી હતી, ત્યારે મહિલાઓને તેમની યોગ્યતા સ્વ-પ્રમાણિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી, કારણ કે ઘણાની પાસે દસ્તાવેજો રજૂ કરવા માટે પૂરતો સમય ન હતો. ત્યારબાદ, સરકારી ખર્ચ ઓડિટને આધિન હોવાથી ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં વિસંગતતાઓ બહાર આવી છે, જેમ કે સરકારી કર્મચારીઓના પરિવારોની મહિલાઓ લાભો મેળવે છે અને કેટલાક કિસ્સાઓમાં પુરુષોએ અરજી કરી છે.
ફડણવીસે એમ પણ જણાવ્યું હતું કે લગભગ 10 લાખ લાભાર્થીઓમાં વિસંગતતા હોવાનું જણાયું હતું અને અંદાજે 14 હજાર પુરુષોએ આ યોજના હેઠળ અરજી કરી હતી. સરકારે પાત્રતાની ચકાસણી કરવા માટે આવકવેરા, પરિવહન અને રેશનકાર્ડ ડેટાબેઝની મદદથી લાભાર્થીઓના રેકોર્ડની તપાસ કરી હતી. અપાત્ર મહિલાઓ અને ફરજિયાત ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયેલા લોકોને ચુકવણી અટકાવી દેવામાં આવી છે.
મુખ્ય પ્રધાનએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે સરકાર અયોગ્ય લાભાર્થીઓને ચૂકવવામાં આવેલા નાણાં પાછા નહીં મેળવે પણ છેતરપિંડી કરી લાભ મેળવનારા પુરુષોએ પૈસા પરત કરવા પડશે. (પીટીઆઈ)