ભુજઃ વિરમગામ-સામખિયાળી રેલવે સેક્શનમાં પડેલા ભારે વરસાદના કારણે ટ્રેક પર પાણી ભરાઈ જતાં પશ્ચિમ રેલવે દ્વારા કચ્છ તરફ જતી અને આવતી અનેક મહત્વપૂર્ણ ટ્રેનોના સંચાલનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે કેટલીક ટ્રેનો અંશતઃ રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ટ્રેક પર પાણી ભરાઈ જવા અને સતત વરસાદને કારણે વીજ લાઈનના મુદ્દાને ધ્યાને લઈને રેલવે વિભાગે આ નિર્ણય કર્યો છે.
ટ્રેનની અપડેટ જાણો
રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, બરેલી-ભુજ આલા હઝરત એક્સપ્રેસ ટ્રેન આ વખતે ચાંદલોડિયા સુધી જ દોડાવવામાં આવશે. જ્યારે વળતી મુસાફરીમાં ભુજ-બરેલી આલા હઝરત એક્સપ્રેસ ભુજથી ભીલડી વચ્ચે અંશતઃ રદ રહેશે. આ ઉપરાંત, ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસને ડાયવર્ટ કરાયેલા વૈકલ્પિક રૂટ પરથી દોડાવવાનો નિર્ણય લેવાયો છે.વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે કેટલીક સેવાઓના સમયમાં પણ સુધારો કરાયો છે. દાદર-ભુજ સયાજીનગરી એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-ભુજ કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસના ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી આ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી રવાના થશે.
મુંબઈ સુધી અસર
ટ્રેક પરથી પાણી ઊતર્યા બાદ રેલ વ્યવહાર પૂર્વવત કરવા માટે રેલવેની ટેકનિકલ ટીમ કાર્યરત છે. તમામ મુસાફરોને સ્ટેશન પર પહોંચતા પહેલાં અથવા મુસાફરીનું આયોજન કરતી વખતે ટ્રેનનો વર્તમાન સમય અને રૂટ સત્તાવાર હેલ્પલાઈન કે એપ પર ચકાસી લે તેવી પશ્ચિમ રેલવેએ અપીલ કરી છે. વલસાડ, ભરૂચ, નવસારી, સુરત, દહાણું, દાદર સુધીના ટ્રેક પર વરસાદને લઈને રેલવે વિભાગ દ્વારા સમયાંતરે અપડેટ જાહેર કરવામાં આવે છે. ખાસ કરીને કોઈ ટ્રેન ટર્મિનેટ થાય તો એનું નોટિફિકેશન આપવામાં આવે છે.