Sun Aug 23 2026

Logo

ખડીર-ચોબારીમાં દોઢથી બે ઈંચ, ગાંધીધામ-ભચાઉમાં એક ઈંચ વરસાદ: ભુજમાં ઝરમર હાજરી

2026-08-01 12:32:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન અને રાજ્યમાં સક્રિય થયેલી અન્ય હવામાન સિસ્ટમ્સના પ્રભાવ હેઠળ કચ્છ જિલ્લામાં મેઘરાજાએ નોંધપાત્ર હાજરી નોંધાવી છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ માટે 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે, ત્યારે ગઈકાલે મોડી સાંજે પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.

વાગડ પંથકથી શરૂ થયેલી મેઘસવારી ભચાઉ, ગાંધીધામ, અંજાર અને ખડીર વિસ્તાર સુધી પહોંચી હતી. ખડીરના ધોળાવીરા અને ચોબારી પંથકમાં ગાજવીજ અને તોફાની પવન સાથે દોઢથી બે ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. આ ઉપરાંત રાપર શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે પડેલા વરસાદી ઝાપટાંને પગલે મુખ્ય બજારોમાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં.

ગાંધીધામ અને આદિપુરમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ રાત્રિના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. પૂરઝડપે ફેંકાયેલા પવન અને ગાજવીજ સાથે જોડિયા શહેરોમાં ધોધમાર હેલી વરસતાં માર્ગો જળબંબાકાર બન્યા હતા. ભચાઉ શહેરમાં પણ સુસવાટા મારતા પવન સાથે એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સામખિયાળી, આધોઈ, આમરડી અને દુધઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા આ વરસાદથી ચાલુ વાવણીકાર્યને નવું જીવન મળતાં ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે. બીજી તરફ, ભુજ શહેરમાં પણ મોડી રાત્રે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું.

વરસાદની શરૂઆત થતાંની સાથે જ ગાંધીધામ, આદિપુર, ભચાઉ અને દુધઈ પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં અંધારપટ છવાઈ ગયો હતો. વીજ કંપનીની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલતાં અને રસ્તાઓ પર ખોદાયેલા ખાડાઓને કારણે વાહનચાલકો તથા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશન નબળું પડે તો પણ વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા ઓછી છે. જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની સંભાવના હોઈ રવિવાર માટે પણ 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે, જેને પગલે સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ મોડ પર મૂકાયું છે.

(ઉત્સવ વૈદ્ય)