Tue Aug 18 2026

Logo

કચ્છના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ: જળાશયોમાં નવા નીરની આવક

2026-08-01 14:06:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન અને રાજ્યમાં સક્રિય થયેલી અન્ય હવામાન સિસ્ટમ્સના પ્રભાવ હેઠળ મેઘતૃષ્ણાનાં મુલક સમાન કચ્છ જિલ્લામાં મેઘરાજાએ નોંધપાત્ર હાજરી નોંધાવી છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ માટે 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે, ત્યારે ગઈકાલે મોડી સાંજે પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.

વાગડ પંથકથી શરૂ થયેલી મેઘસવારી ભચાઉ, ગાંધીધામ, અંજાર અને ખડીર વિસ્તાર સુધી પહોંચી હતી. ખડીરના ધોળાવીરા અને ચોબારી પંથકમાં ગાજવીજ અને તોફાની પવન સાથે દોઢથી બે ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. આ ઉપરાંત રાપર શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે પડેલા વરસાદી ઝાપટાંને પગલે મુખ્ય બજારોમાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. 

ગાંધીધામ અને આદિપુરમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ રાત્રિના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. પૂરઝડપે ફેંકાયેલા પવન અને ગાજવીજ સાથે જોડિયા શહેરોમાં ધોધમાર હેલી વરસતાં માર્ગો જળબંબાકાર બન્યા હતા. અંજાર ખાતે પણ બેથી અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાતા શહેરભરમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. હજુ વરસાદી માહોલ જામ્યો હોઈ આગામી સમયમાં બારેમેઘ ખાંગા થશે તેવી આશા આ ઔદ્યોગિક સંકુલના લોકો સેવી રહ્યા છે. 

ભચાઉ શહેરમાં પણ સુસવાટા મારતા પવન સાથે બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સામખિયાળી, આધોઈ, આમરડી અને દુધઈ, લખપત, ખાવડા નખત્રાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા અંદાજે ત્રણ ઇંચથી વધારે વરસેલા વરસાદથી વાવણીકાર્યને નવું જીવન મળતાં ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે. બીજી તરફ, જિલ્લા મથક ભુજ ખાતે શુક્રવારની રાતથી ધીમીધારે શરૂ થયેલો વરસાદ બપોરના દોઢ વાગ્યે પણ અવિરત વ્હાલ વરસાવી રહ્યો છે.

દર વખતની જેમ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આગામી સાતમ-આઠમના તહેવારો અને ભાતીગળ મેળા પૂર્વે જ શહેરનું હૃદયસમા હમીરસર તળાવ ઓગની જાય તેવી આશા સાથે શહેરીજનોમાં ઉત્સાહનો માહોલ છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશન નબળું પડે તો પણ વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા ઓછી છે. જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની સંભાવના હોઈ રવિવાર માટે પણ 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. દરમ્યાન, આ લખાય છે ત્યારે હજુ પણ વરસાદી માહોલ છવાયેલો છે અને હવામાન ખાતાની સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને પગલે વહીવટી તંત્ર સાબદું બન્યું છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પ્રમાણે કચ્છમાં 20.67 ટકા વરસાદ પડ્યો છે. અબડાસામાં 7 ટકા, અંજારમાં 11.41 ટકા, ભચાઉમાં 34.75 ટકા, ભુજમાં 18.87 ટકા, ગાંધીધામમાં 24.58 ટકા, લખપતમાં 14.40 ટકા, માંડવીમાં 12.61 ટકા, મુન્દ્રામાં 9.71 ટકા, નખત્રાણામાં 16.39 ટકા અને રાપરમાં 55.27 ટકા વરસાદ વરસ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)