Sat Sep 05 2026

Logo

કચ્છના ખાવડામાં યુવાનની કરપીણ હત્યા કરનારા બે સગા ભાઈઓને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા...

2026-03-17 15:43:47
Author: Tejas rajpara
કચ્છના ખાવડામાં યુવાનની કરપીણ હત્યા કરનારા બે સગા ભાઈઓને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા...

ભુજ: સીમાવર્તી કચ્છના મોટા-ખાવડા ગામે ત્રણ વર્ષ પૂર્વે બનેલી એક ચકચારી હત્યાની ઘટનામાં નામદાર અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બહેન સાથેના આડા સંબંધની આશંકામાં 22 વર્ષીય યુવાનની કરપીણ હત્યા કરનારા બે સગા ભાઈઓને કોર્ટે આજીવન કેદની સખત સજા ફટકારી છે.

આ કેસની વિગતો મુજબ, મૃતક સોયબ ઓસ્માણ સમાના દાદા હુસેન સિધિક સમાનો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હતો. તારીખ 24 મે 2023ના રોજ સોયબે તે નંબર પર ફોન લગાવ્યો ત્યારે તેની રિંગ આરોપીઓ અસલમ અને અલ્તાફની બહેન પાસે રહેલા મોબાઈલમાં વાગી હતી. આ ફોન કોલ જોઈને બંને ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા અને સોયબને તેમની બહેન સાથે આડા સંબંધ હોવાની શંકા દ્રઢ બની હતી.

આ ઝનૂનમાં બંને ભાઈઓ સોયબના ઘરે પહોંચ્યા હતા. અસલમે સોયબને પકડી રાખ્યો હતો, જ્યારે અલ્તાફે છરીના ઘા ઝીંકીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક સોયબ તેના અંધ દાદા અને વિકલાંગ પિતાનો એકમાત્ર સહારો હતો.
 
ખાવડા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ ભુજના સાતમા અધિક સેશન્સ જજ એન.પી.રાડિયાની અદાલતમાં ચાલ્યો હતો. કેસની ગંભીરતાને ધ્યાને લેતા 45 દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી તેમજ 25 સાક્ષીઓની જુબાની સહિતના પુરાવાઓ તપાસીને નામદાર કોર્ટે 104 પાનાના વિસ્તૃત ચુકાદામાં આરોપી અસલમ અભેરાજ સમા અને અલ્તાફ અભેરાજ સમાને તક્સીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, બંનેને રૂ. 5000નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હુકમ કર્યો છે.

આ ચકચારી કેસમાં સરકાર પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ ધારદાર દલીલો કરી હતી. જ્યારે મૂળ ફરિયાદી તરફે એડવોકેટ આર.એસ. ગઢવી, વી.જી. ચૌધરી, શિવમ બી. સોલંકી અને વિશ્વા એન. પરમારે હાજર રહીને ન્યાય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

(ઉત્સવ વૈદ્ય)