Sun May 31 2026

Logo

કચ્છમાં જૂથ અથડામણ બાદ તોફાનીઓનો પોલીસ પર હુમલો; રાયધણપર અને વરનોરા ગામ ફેરવાયા પોલીસ છાવણીમાં

2026-05-30 11:01:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: ગૃહમંત્રી અમિત શાહની કચ્છ મુલાકાત દરમ્યાન આ સીમાવર્તી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક હિંસા ભભૂકી ઉઠતાં ભારે ચકચાર મચી ગઈ છે. રાયધણપર ગામે બે જૂથો વચ્ચે થયેલા ભારે પથ્થરમારામાં ૩થી ૪ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે અન્ય એક બનાવમાં વરનોરા ગામે આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કરવાનો પ્રયાસ કરતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. હાલ બંને સંવેદનશીલ ગામોમાં એસઆરપી સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પ્રથમ ઘટના મુજબ, ભુજ તાલુકાના રાયધણપર ગામે જૂની અદાવત અથવા નજીવી બાબતે બે જૂથના લોકો લાકડીઓ અને પથ્થરો જેવા ઘાતક હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. ઉશ્કેરાયેલા તોફાનીઓએ ગામની મધ્યમાં જ આડેધડ પથ્થરમારો શરૂ કરી દેતાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ ધીંગાણામાં ૩થી ૪ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થાનિકોએ તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાકીદે હોસ્પિટલ ખસેડ્યા હતા.

બીજી ઘટના વરનોરા ગામે બની હતી, જ્યાં કોઈ ગુનાહિત કેસના આરોપીની ધરપકડ કરવા પહોંચેલી સ્થાનિક પોલીસ ટીમ પર અસામાજિક તત્વો અને તેમના સમર્થકોએ હુમલો કરવાનો ઘૃણાસ્પદ પ્રયાસ કર્યો હતો. કાયદાનો ડર રાખ્યા વિના ટોળાએ પોલીસના વાહનો રોકીને ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી, જો કે પોલીસે કડકાઈથી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ બંને બનાવોની ગંભીરતાને સરકારે ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે રવાના કર્યો હતો. 

પોલીસે રાયધણપરમાં પથ્થરમારો કરનારા અને વરનોરામાં ખાખી પર હાથ ઉપાડવાનો પ્રયાસ કરનારા મુખ્ય સૂત્રધારો સહિત કેટલાક તોફાનીઓની અટકાયત કરી લીધી છે. બંને ગામોમાં રાયોટિંગ અને સરકારી ફરજમાં રૂકાવટ અંગે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)