મુંબઈ: ‘મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ જન્મ વખતે ‘નંદ ઘેર આનંદ ભયો જય ક્ધહૈયાલાલ’ના દુંદુભિ નાદથી સનાતન નગરી ગોકુળિયું ગામ બની ગઈ હોવાનો અનુભવ ઉપસ્થિત વીસ હજારથી વધુ ભાવિકો કરી રહ્યા હતા. રોજ સાંજે છ વાગ્યે પૂરી થતી કથા આજે સાડા આઠ સુધી ચાલી હોવા છતાં ભાવિકો સ્થાન છોડવા ઉત્સુક નહોતા. કૃષ્ણજન્મના કથામૃત સામે ભાવિકોને બીજું બધું ફીકું લાગી રહ્યું હતું. આધ્યાત્મ ભાવ સાથે જ્યારે અંતરનો ઊમળકો ભળે અને જે રસની અનુભૂતિ થાય એ લાગણી હાજર રહેલી પ્રત્યેક વ્યક્તિ અનુભવી રહી હતી.

પૂજ્ય ભાઈશ્રીના મુખે શ્રીકૃષ્ણ જન્મ, વામન અવતાર, નૃસિંહ અવતારની ઝાંખી અને તેના મહિમા સાંભળવાનો લહાવો ચૂકવા ના માગતા હોય એમ ભાવિકો પોતાની જગ્યા પરથી તસુભર પણ ખસ્યા નહોતા. ભાઇશ્રીના મુખે કૃષ્ણજન્મની ઘોષણા થઈ ત્યારે આખો સભામંડપ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી અને જય રણછોડ, માખણચોરના નાદથી ગૂંજી ઊઠયો હતો. આખો માહોલ કૃષ્ણમય બની ગયો હતો. કૃષ્ણજન્મના મનોરથી પરિવાર શ્રી સૌરભ મહેતા અને શિતલ બિરેન સંઘવી પરિવારે ખૂબ જ ધામધૂમથી નાચતા ગાતા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.

મહેતા અને સંઘવી પરિવારના આનંદમાં મોટી ભરતી આવી હતી. પૂજ્ય ભાઈશ્રીએ ઉપસ્થિત મનોરથી પરિવાર, સહ મનોરથી પરિવાર અને હજારો ભાવિકોને કૃષ્ણજન્મની વધાઈ આપી હતી. વાસુદેવ મથુરાથી બાળકૃષ્ણને વાંસની ટોપલીમાં લઈ ગયા હતા આવી જ રીતે મુખ્ય મનોરથી મહેતા પરિવાર બાળકને બાળકૃષ્ણના પ્રતીકરૂપે શણગારેલી બાસ્કેટમાં લઈ આવ્યા ત્યારે મેદનીમાં હર્ષનો ઉન્માદ ફરી વળ્યો હતો. ’નંદ ઘેર આનંદ ભયો’ની ગૂંજ સાથે કેટલાક લોકો ‘યદા યદા હી ધર્મસ્ય, ગ્લાનીર્ભવતી ભારત’નો પણ નાદ કરી રહ્યાં હતા. અત્ર - તત્ર - સર્વત્ર કૃષ્ણમય વાતાવરણ બની ગયું હતું. કૃષ્ણજન્મનો ઉત્સાહ એ રીતે ફેલાઈ ગયો કે જાણે હાજર દરેક પરિવારમાં કૃષ્ણજન્મ થયો હોય. ભાવિકો પ્રભુમય બની ગયા હતા અને સનાતન ધર્મનો પ્રભાવ સર્વત્ર વર્તાઈ રહ્યો હતો.
પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા કથા વાંચનમાં કૃષ્ણ જન્મની ભૂમિકા તૈયાર કરતી વખતે ભાગવતમાં વર્ણવેલા 24 અવતારની વાત એક પછી એક કરી રહ્યા હતા ત્યારે ભાવિકો શ્રદ્ધાથી સાંભળી રહ્યા હતા. વાત કૃષ્ણજન્મ સુધી પહોંચી ત્યારે હાથ જોડીને ખુરશી પર બેસી શાંત ચિત્તે કથા શ્રવણ કરી રહેલા ભાવિકો ગેલમાં આવી ગયા અને સ્થાન પર ઊભા થઈ નાચી એસી ડોમને ગોકુળ ગામ બનાવી દીધું હતું.
રવિવારે કૃષ્ણજન્મ હોવાથી ભાવિકોનો સાગર ઉમટશે એનો અંદાજ આયોજકોને હતો જ. જોકે, સાગર નહીં, મહાસાગર ઊમટ્યો અને કથા શ્રવણ માટે ગજબનાક ઉત્સાહ જોવા મળ્યો. ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’ નિમિત્તે ભાષાવૈભવની વાત આગળ વધારી ભાઇશ્રીએ કહ્યું કે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એ સંવાદ છે, રામકથા પણ સંવાદ છે. મહાભારત પણ સંવાદ છે આપણા તમામ પુરાણો પણ સંવાદ છે. ભાષા એ પણ સંવાદ માટેનું માધ્યમ છે. ભાષા દ્વારા ભાવ, વિચારો પ્રગટ થાય. આપણે સામેવાળા સાથે કનેક્ટ કરી શકીએ. ભાષા સાંકેતિક હોય અને ભાવની પણ હોય. તમે કશું પણ બોલ્યા વિના માત્ર તમારા ચહેરાના હાવભાવ પરથી ખ્યાલ આવે. ભાષા એ લખાય, વંચાય છે, પરંતુ લખાયેલી ભાષા એ ચિરંજીવી છે, કારણ કે લાંબા સમય સુધી વંચાય છે. ભાગવત, રામાયણ, ગીતા જેવા આપણા ગ્રંથોની તો આ તમામ ગ્રંથો દેવભાષા સંસ્કૃતમાં લખાયા છે અને ગ્રંથો એક સંવાદ છે. ભાષા છે એટલે સંવાદ થાય છે. સંવાદ છે તો સમજવામાં સરળતા રહે છે અને સંવાદ છે તો સ્પષ્ટતા છે. ભાષામાં અનેક અલંકારો છે જેમ કે રૂપક અલંકાર, ઉપમા અલંકાર વગેરે વગેરે. આ તમામ અલંકારોથી ભાષા શોભી ઊઠે છે. આપણા મોટાભાગના ગ્રંથો દેવભાષા સંસ્કૃતમાં છે. જો સંસ્કૃત ટકશે તો ભાષા ટકશે, સમાજ સંસ્કૃત બનશે.

સંગત વિશે ભાઈશ્રીએ કહ્યું કે ’તમે કયા સમાજમાંથી આવો છો, તમે કોની સાથે રહો છો એ ખૂબ જ મહત્ત્વનું છે. પાણી અને મનુષ્ય બંને ખૂબ જ સંવેદનશીલ હોય છે. પાણીમાં તમે જે રંગ નાખો એ એના જેવું થઈ જાય એ જ રીતે માણસની આસપાસના લોકો, સમાજ, સંજોગોની અસર જોવા મળે છે. એના આધારે માણસનો વૈચારિક, ભાવનિક અને ભૌતિક પિંડ બંધાય છે. તમે જરા વિચારો કે સંસ્કૃતમાં ગાળો આપી શકાય? સંસ્કૃતમાં ગુસ્સો કરીએ એ કેવું લાગે? આ ગાળો આખરે શું છે તો ગાળોએ આક્રોષ વ્યક્ત કરવાનું માધ્યમ છે. ખુદ ભગવાન શ્રીકૃષ્ણે ભાગવતમાં અર્જુનને ગાળ આપી છે અને એનો સંદર્ભ આપતાં પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણએ અર્જુનને સંબોધીને કહ્યું નપુંસક ના બન, કાયર ના બન. આ તે જે ભાષણ કર્યું એ તારી નિર્બળતા દર્શાવે છે.
ત્યારબાદ પૂજ્ય ભાઈશ્રીએ વાદ, વિવાદ અને સંવાદ વચ્ચેનો તફાવત ખૂ…