મુંબઈ ઈન્ડિયન્સે શનિવાર, બીજી મેના રોજ ટી-20માં 50,000 રન બનાવીને ઇતિહાસના પુસ્તકોમાં પોતાનું નામ નોંધાવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બે દિવસ પહેલાં સીએસકેની સામે પરાજિત થયેલી મુંબઈ ઈન્ડિયન્સ ભલે હવે આ વર્ષની આઈપીએલમાંથી બહાર થવાના રસ્તા પર હોય પરંતુ, ટી-20માં 50,000 રન બનાવનારી વિશ્વની પ્રથમ ટીમ બનીને ઇતિહાસના પુસ્તકોમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. મુંબઈ સ્થિત ફ્રેન્ચાઇઝીએ બીજી મેના રોજ ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની આઈપીએલ 2026ની મેચમાં 20 ઓવરના ફોર્મેટમાં 50,000 રનનો આંકડો પાર કરવા માટે ઓછામાં ઓછા 114 રન બનાવવાની જરૂર હતી, અને તેમણે શનિવારે 15મી ઓવરમાં (14.1 ઓવરમાં 117/1) પોતાનો 114મો રન બનાવ્યો હતો.
ચેન્નાઈમાં એમઆઈ અને સીએસકે વચ્ચેની મેચ મુંબઈ ઈન્ડિયન્સની 308મી ટી20 મેચ છે. મુંબઈ સ્થિત આ ફ્રેન્ચાઇઝીએ આઈપીએલમાં 286 અને ચેમ્પિયન્સ લીગ ટી20માં 22 મેચ રમી છે.
ટી20માં સૌથી વધુ રન બનાવનારી ટીમોની યાદીમાં, મુંબઈ ઇન્ડિયન્સ પછી ઈંગ્લેન્ડની ટીમ સમરસેટનો નંબર આવે છે. 303 ટી20 મેચોમાં, સમરસેટે 48,244 રન બનાવ્યા છે. 2025 આઈપીએલ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 295 ટી20 મેચોમાં 47,304 રન સાથે ત્રીજા સ્થાને છે, અને ચેન્નઈ સુપર કિંગ્સ 2008થી 2026 દરમિયાન 286 મેચોમાં 46,438 રન સાથે ચોથા સ્થાને છે.

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ માટે ટી20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. મુંબઈના 39 વર્ષીય જમણા હાથના બેટ્સમેને અત્યાર સુધી રમાયેલી 240 મેચોમાં કુલ 6286 રન બનાવ્યા છે. તેમના પછી સૂર્યકુમાર યાદવ (3933) અને કિરોન પોલાર્ડ (3915) છે. જોકે, કમનસીબે રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવાથી ટીમ માટે ઉપલબ્ધ નથી.
