Mon May 04 2026

Logo

કેરળમાં કોંગ્રેસની 'સુનામી': 10 વર્ષના ડાબેરી શાસનનો અંત, UDF 100ને પાર!

2026-05-04 17:50:09
Author: Mumbai Samachar Team
Article Image

તિરુવનંતપૂરમ: આજે પશ્ચિમ બંગાળ, પોંડિચેરી, આસામ અને કેરળમના વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. બંગાળમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે, ત્યારે દક્ષિણમાં કેરળમ વિધાનસભાની તમામ 140 બેઠકોના વલણો સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ગઠબંધન સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, અત્યાર સુધીના આંકડાઓ અનુસાર, 63 બેઠકો પર કોંગ્રેસ આગળ છે, ત્યારે CPIના ખાતામાં 26 બેઠકો આવી ગઈ છે. છેલ્લા 10 વર્ષથી સત્તા પર રહેલા પિનરાઈ વિજયનના નેતૃત્વવાળા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટને (LDF) આ વખતે જનતાએ જાકારો આપ્યો હોય તેમ જણાય છે. 

જોકે, મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન પોતાની પરંપરાગત બેઠક ધર્મદમ પર કોંગ્રેસના ઉમેદવાર વી.પી. અબ્દુલ રશીદ સામે નોંધપાત્ર મતોથી આગળ ચાલી રહ્યા છે. રાજ્યના 140 કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી કડક સુરક્ષા વચ્ચે 15 હજારથી વધુ કર્મચારીઓ દ્વારા મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક્ઝિટ પોલના તારણો સાચા ઠરતા જણાય છે.

રાજકીય વિશ્લેષકોના મતે, મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનની સરકાર સામેની ૧૦ વર્ષની સત્તા વિરોધી લહેર કોંગ્રેસ માટે વરદાન સાબિત થઈ છે. અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મળેલી જીતથી ઉત્સાહિત કોંગ્રેસે આ વખતે આંતરિક વિખવાદો ટાળીને મજબૂત લડત આપી છે. પાંચ વર્ષ પહેલાં નેતાઓના પરસ્પર મતભેદોને કારણે રાહુલ ગાંધીની મહેનત એળે ગઈ હતી, પરંતુ આ વખતે પાર્ટીએ એકજૂથ થઈને શાનદાર વાપસી કરી છે. 

તાજેતરના આંકડાઓ મુજબ, કેરળની જનતાએ આ વખતે પરિવર્તન માટે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. 140 બેઠકોમાંથી UDF ગઠબંધન 103 બેઠકો પર લીડ ધરાવે છે, જે ડાબેરીઓના ગત વિજય કરતા પણ મોટો આંકડો છે. બીજી તરફ, સત્તારૂઢ LDF માત્ર 35 બેઠકો પર સમેટાઈ રહ્યું હોય તેવું દેખાય છે. ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધને પણ રાજ્યમાં ત્રિકોણીયો જંગ ખેલવાનો પ્રયાસ કર્યો છે, જે અંતર્ગત ભાજપના ખાતામાં હાલમાં ૨ બેઠકો આવતી દેખાય છે. આ પરિણામો સૂચવે છે કે કેરળમાં પરંપરાગત રીતે દર પાંચ કે દસ વર્ષે સત્તા પરિવર્તનની રીત જાળવી રાખવામાં આવી છે.

UDF ગઠબંધનની આ ભવ્ય સફળતામાં તેના સાથી પક્ષ 'ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ' (IUML) એ મહત્વની ભૂમિકા ભજવી છે. મુસ્લિમ લીગના ઉમેદવારો મંજેશ્વરમ્, કાસરગોડ અને મલપ્પુરમ સહિતની 23 બેઠકો પર મજબૂત સરસાઈ ધરાવે છે. ખાસ કરીને મલબાર વિસ્તારમાં મુસ્લિમ લીગે પોતાનો ગઢ સાચવી રાખ્યો છે, જેના કારણે UDF નો આંકડો 100 ને પાર પહોંચ્યો છે.