નવી દિલ્હીઃ દેશમાં ક્લિન એનર્જીને પ્રોત્સાહન આપવા અને આયાત નિર્ભરતા ઘટાડવા માટે કેબિનેટ ટૂંક સમયમાં કૉલ ગૅસિફિકેશનને પ્રોત્સાહિત કરતી રૂ. 37,500 કરોડની સ્કીમને મંજૂરી આપે તેવી શક્યતા છે. નોંધનીય બાબત એ છે કે કૉલ મંત્રાલયે કૉલ ગૅસિફિકેશન પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે રૂ. 37,500 કરોડના ખર્ચની આ સ્કીમની કેબિનેટ નોટ્સ તૈયાર કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
પ્રસ્તાવિત સ્કીમનો મુખ્ય આશય સમગ્ર દેશમાં સપાટી પરનાં કોલસા અને લિગ્નાઈટ ગૅસિફિકેશનને વેગ આપવાનો, એલએનજી, યુરિયા, એમોનિયમ નાઈટ્રેટ, એમોનિયા, ડીઆરઆઈ, મિથેનોલ અને ડીએમઈ દ્વારા કોકિંગ કૉલ જેવી મહત્ત્વપૂર્ણ ચીજવસ્તુઓ પરની આયાત નિર્ભરતા ઘટાડી આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે, જ્યારે ઈંધણ અને રસાયણોનાં ઉત્પાદનો માટે સ્થાનિક કોલસા અને લિગ્નાઈટ સંસાધનોના ઉપયોગ વધારવામાં સક્ષમ બનાવે છે, તેમ જ આ સ્કીમ વર્ષ 2030 સુધીમાં 10 કરોડ ટન કોલસાના ગૅસિફિકેશનની ક્ષમતા હાંસલ કરવાના રાષ્ટ્રીય લક્ષ્યાંકને પણ ટેકો આપે છે. આ એક એકીકૃત યોજના છે તેમાં કોઈ કેટેગરી નથી અને એક જ પ્રોજેક્ટ માટે મહત્તમ નાણાકીય સહાય રૂ. 3000 કરોડ નિર્ધારિત કરવામાં આવી છે.
અગાઉ ગૅસિફિકેશન સ્કીમ માટે સરકાર ત્રણ કેટેગરીમાં નાણાકીય સહાય પૂરી પાડતી હતી જેમાં ખાનગી ક્ષેત્ર માટે પ્રોજેક્ટદીઠ મહત્તમ પ્રોત્સાહન રૂ. 1000 કરોડ અને જાહેર ક્ષેત્રના એકમો માટે રૂ. 1350 કરોડનું પ્રોત્સાહન આપવામાં આવતું હતું.
ઉદ્યોગનાં એક વિશ્લેષક અનુસાર પશ્ચિમ એશિયાની કટોકટીને પગલે એલએનજી, એલપીજી અને અન્ય હાઈડ્રોકાર્બનના પુરવઠા પર માઠી અસર થવાને કારણે સરકારે આ પ્રોત્સાહન સ્કીમમાં નવીનીકરણ કર્યું છે. જેથી એનર્જી ફિડસ્ટોકનું વિકેન્દ્રીકરણ થાય.
હાલ વૈશ્વિક પુરવઠા સ્થિતિ નાજુક છે ત્યારે હવે સરકાર કૉલ ગૅસિફિકેશનને સ્થાનિક કોલસાને ઈંધણ અને રસાયણોમાં રૂપાંતરિત કરવા, આયાત નિર્ભરતા ઘટાડવા અને ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે વ્યૂહાત્મક લાભ તરીકે સ્થાન આપી રહી છે. ભારત પાસે કોલસાની 401 અબજ ટનની જંગી અનામતનો ભંડાર છે, જે આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને સ્વચ્છ, સ્થિતિસ્થાપક ઊર્જા અર્થતંત્રનું નિર્માણ કરવા માટે સ્થાનિક સંસાધનોનો લાભ લેવા માટે એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
નોંધનીય બાબત એ છે કે કોલસો એ ભારતીય ઊર્જા ક્ષેત્રની કરોડરજ્જુ સમાન રહ્યો છે. કોલસાના વૈશ્વિક ઉત્પાદનમાં અને વપરાશમાં બીજો ક્રમાંક ધરાવે છે. તેમ જ દેશના એનર્જીના કુલ ક્ષેત્રમાં કોલસાનો હિસ્સો પંચાવન ટકા જેટલો ધરાવે છે.