નવી દિલ્હીઃ પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં આ વખતે નવો ઈતિહાસ રચાશે, જેમાં ત્રણ રાજ્યમાં સરકાર બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે 'નોટા-ઉપરમાંથી એકેય નહીં' વિકલ્પને ફરી એકવાર મતદારો તરફથી ખાસ સમર્થન મળ્યું નથી. આસામને બાદ કરતાં નોટા વિકલ્પ ૧ ટકાના આંકને પણ પાર કરી શક્યો નથી.
આસામમાં ૧.૨૯ ટકા મતદારોએ ઇવીએમ પર નોટા બટન દબાવ્યું હતું. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં ૦.૮૧ ટકા મતદારોએ આ વિકલ્પને પસંદ કર્યો હતો. પુડુચેરી ત્રીજા ક્રમે રહ્યું હતું, જ્યાં ૦.૭૩ ટકા મતદારોએ આ વિકલ્પનો ઉપયોગ કર્યો હતો. કેરળમાં ૦.૫૮ ટકા મતદારોએ નોટા બટન દબાવ્યું હતું. ત્યારબાદ તમિલનાડુમાં ૦.૪૧ ટકા મતદારોએ આ વિકલ્પ પસંદ કર્યો હતો.
ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ ૨૦૧૩માં લોન્ચ થયા પછી ઇવીએમમાં નોટા વિકલ્પનો ટકાવારી હિસ્સો ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછો રહ્યો છે. આ વિકલ્પને સૌપ્રથમ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં લાગુ કરવામાં આવ્યો હતો.
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો પર નોટા વિકલ્પનું એક ખાસ નિશાન હોય છે. એક બેલેટ પેપર પર કાળા રંગનું ક્રોસ બનેલું હોય છે. સપ્ટેમ્બર ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચ દ્વારા ઇવીએમના વોટિંગ પેનલ પર નોટા બટનને છેલ્લા વિકલ્પ તરીકે ઉમેરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આસામ, પુડુચેરી, તમિલનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં નવી સરકારોની પસંદગી માટે એપ્રિલમાં અલગ-અલગ તારીખે મતદાન થયું હતું. જ્યારે મતગણતરી સોમવારના રોજ થઇ હતી.