Mon May 04 2026

Logo

ક્રૂડતેલ અને ડૉલર ઉછળતાં વૈશ્વિક સોનામાં 1.6 ટકાનો કડાકો, સ્થાનિક સોનું રૂ. 2163 તૂટ્યું, ચાંદીમાં રૂ. 211નો ઘસરકો

2026-05-04 21:00:02
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
અમેરિકા અને ઈરાન વચ્ચેનો ભૂરાજકીય તણાવ સપાટી પર આવવાની સાથે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવ્યો હોવાથી ફુગાવામાં વધારો થવાથી રેટકટ થવાની શક્યતા પાતળી થવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં 1.6 ટકાનો અને વાયદાના ભાવમાં 2.1 ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો. વધુમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહ્યું હોવાથી સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હતા. તેમ જ ચાંદીના ભાવમાં પણ 3.5 ટકાનો ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહના આરંભે હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2154થી 2163નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 211નો સાધારણ ઘસરકો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વિશ્વ બજાર પાછળ સોનાના ભાવ દબાણ હેઠળ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2154ના ઘટાડા સાથે રૂ. 1,47,507 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2163ના ઘટાડા સાથે રૂ. 1,48,100ના મથાળે રહ્યા હતા. જોકે, આજે વધુ ઘટાડાના આશાવાદ સાથે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલી નિરસ રહી હતી. તેમ જ રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમ જ આજે હાજરમાં ચાંદીમાં વિશ્વ બજાર પાછળ નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ છતાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો અને વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 211ના ઘટાડા સાથે રૂ. 2,40,120ના મથાળે રહ્યા હતા. 

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે ચીન, યુકે અને જાપાનમાં જાહેર રજા હોવાને કારણે લંડન ખાતે કામકાજો પાંખાં રહ્યા હતા. તેમ છતાં ડૉલર તથા ક્રૂડતેલના ભાવ મજબૂત રહેતાં હાજરમાં સોનાના ભાવ 1.6 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 4538.19 ડૉલર અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 2.1 ટકાના ઘટાડા સાથે 4548.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને હાજરમાં ચાંદીના ભાવ 3.50 ટકાના ગાબડાં સાથે આૈંસદીઠ 72.74 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

આજે અમેરિકી યુદ્ધ જહાજ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થતાં ઈરાને ચેતવણી આપવાની સાથે તેના પર બે મિસાઈલો પણ છોડવામાં આવી હતી, પરંતુ અમેરિકાએ મિસાઈલ હુમલાને રદીયો આપ્યો હોવા છતાં ક્રૂડતેલના ભાવ ઉછળીને બેરલદીઠ 113 ડૉલર સુધી પહોંચ્યા હતા. તેમ જ આજે ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવ્યું હતું. 

વધુમાં હાલના ક્રૂડ તેલના ઊંચા ભાવ અને તેને કારણે ફુગાવામાં વધારાની શક્યતાને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના વૈશ્વિક ભાવ હાલની સપાટી આસપાસ સાંકડી વધઘટે અથડાતા રહે તેવી શક્યતા બાયબીટનાં ચીફ એનાલિસ્ટ હૅન ટૅને વ્યક્ત કરી હતી.