Mon May 04 2026

Logo

સુનેત્રા પવારે રચ્યો નવો ઇતિહાસ: દેશમાં સૌથી વધુ મતોના માર્જિનથી જીત મેળવવાનો બનાવ્યો નવો વિક્રમ

2026-05-04 20:39:36
Author: Mumbai Samachar Team
Article Image

પેટાચૂંટણીમાં અજિત પવાર અને ભાજપના નેતાઓનો રેકોર્ડ તોડીને મેળવી મોટી જીત

મુંબઈ/બારામતીઃ નાયબ મુખ્ય પ્રધાન અને અજિત પવાર જૂથના ઉમેદવાર સુનેત્રા પવારે બારામતી પેટાચૂંટણીમાં એક રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 2,18,930 મતોથી જીત મેળવી છે, જે દેશના વિધાનસભા ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ મતોના માર્જિનનો રેકોર્ડ છે. તેઓ સૌથી વધુ લીડ સાથે વિજયી બન્યા છે.

આ પહેલા મહારાષ્ટ્રમાં સૌથી વધુ મતોના માર્જિનનો રેકોર્ડ સ્વર્ગસ્થ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નામે હતો. તેમણે 2019માં 1,65,265 મતોના માર્જિનથી જીત મેળવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ઇતિહાસમાં આ સૌથી મોટી જીત હતી.

જોકે, 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં,  ભાજપના બે નેતાઓએ અજિતદાદાનો રેકોર્ડ તોડ્યો હતો. જેમાં સાહિબાબાદ, ગાઝિયાબાદથી ભાજપના ધારાસભ્ય સુનીલ કુમાર શર્મા અને નોઈડાથી ભાજપના ધારાસભ્ય પંકજ સિંહનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં સુનીલ કુમાર શર્માએ સમાજવાદી પાર્ટીના અમરપાલ શર્માને 2,14,835 મતોથી હરાવ્યા હતા. ભારતમાં વિધાનસભા ચૂંટણીમાં આ સૌથી મોટી લીડ હતી.

તે પછી પંકજ સિંહે તે જ ચૂંટણીમાં અજિત પવારનો રેકોર્ડ  તોડ્યો. તેમનો વિજય માર્જિન 1, 81,000 હતો. હવે, 4 વર્ષ પછી, સુનેત્રા પવારે બદલો લીધો છે. તેમણે આ બંને નેતાઓને પાછળ છોડી દીધા છે અને દેશમાં સૌથી વધુ લીડ મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ ચૂંટણીમાં, સુનેત્રા પવારનો વિરોધ કરી રહેલા અન્ય 22 ઉમેદવારોને કુલ માત્ર 4,837 મત મળ્યા છે.

સુનેત્રા પવાર સામેના ૨૨ ઉમેદવારો મુશ્કેલીમાં

રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં ઉમેદવાર સુનેત્રા પવાર સામે ચૂંટણી મેદાનમાં ઉતરેલા અંદાજે ૨૨ ઉમેદવારોની મુશ્કેલીઓ વધી ગઈ છે. પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી રહી છે કે, સંબંધિત ઉમેદવારોએ ચૂંટણી પંચ પાસે રજૂ કરેલા નામાંકન ફોર્મ પર સૂચકો અને અનુમોદકોની સહીઓ બોગસ છે.

ચૂંટણીના નિયમો અનુસાર, કોઈ પણ ઉમેદવારે પોતાનું ફોર્મ ભરતી વખતે સ્થાનિક મતદારોમાંથી સૂચકો અને અનુમોદકોની સહીઓ લેવી અનિવાર્ય હોય છે. બારામતી પેટાચૂંટણી માટે અનેક અપક્ષ અને અન્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. 
જોકે, ચૂંટણી નિર્ણય અધિકારી દ્વારા કરવામાં આવેલી ચકાસણી દરમિયાન, ૨૨ ઉમેદવારો પૈકી ૧૨થી ૧૩ ઉમેદવારોના ફોર્મ પર રહેલી સૂચકો-અનુમોદકોની સહીઓમાં તફાવત હોવાનું જાણવા મળ્યું છે.

ચૂંટણી પ્રક્રિયામાં ખોટા દસ્તાવેજો અથવા બોગસ સહીઓ રજૂ કરવી એ ગંભીર પ્રકારનો ગુનો ગણાય છે. આ ઘટનાને કારણે ચૂંટણી તંત્ર સતર્ક થઈ ગયું છે અને વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, જે ઉમેદવારોએ આ પ્રકારે ગેરમાર્ગે દોર્યા છે, તેમની સામે ગુના દાખલ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

આ માટે ફોર્મ પર જેમની સહીઓ બતાવવામાં આવી છે, તેમને જ ફરિયાદી બનાવીને ઉમેદવારો વિરુદ્ધ ગુના નોંધવામાં આવશે.