મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં એસી લોકલના આગમન પછી પ્રવાસીઓને ઉનાળામાં એસી ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં રાહત થઈ છે, પરંતુ એનાથી નોન-એસી લોકલમાં મુસાફરી કરનારા પ્રવાસીઓનું શેડ્યૂલ ખોરવાયું છે. આ જ કારણસર વિરારમાં પ્રવાસીઓએ રેલરોકો કર્યું હતું.
પશ્ચિમ રેલવેના વિરાર સ્ટેશન પર મુસાફરોની ધીરજ તૂટી ગઈ હતી, કારણ કે છેલ્લા ઘણા સમયથી વિરાર-ચર્ચગેટ લોકલને અચાનક એર-કન્ડિશન્ડ (એસી) ટ્રેનમાં રૂપાંતરિત કરવાના વિરોધમાં હજારો મુસાફરોએ ટ્રેન રોકી દીધી હતી. વહીવટીતંત્રના આ "અણધાર્યા" નિર્ણયને કારણે ગુસ્સે ભરાયેલા મુસાફરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરતા સવારના પીક અવર્સ દરમિયાન મોટો અવરોધ સર્જાયો હતો.
વહીવટીતંત્રે 29 એપ્રિલે એક જાહેરનામું બહાર પાડીને આ ટ્રેન પહેલી મે, 2026થી 'એસી' માં રૂપાંતરિત થવાની જાહેરાત કરી હતી. જોકે, આ નિર્ણયથી દૈનિક મુસાફરોનું રૂટિન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. રોજ સવારે 8:28 વાગ્યાની ટ્રેન નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અનુકૂળ હતી. હવે, તે ટ્રેન બદલવાથી અન્ય ટ્રેનો પર ભારણ વધી ગયું છે.
આજે સવારે 8:33 વાગ્યે એરકન્ડિશન્ડ લોકલ પહેલેથી જ ઉપલબ્ધ છે. બે 'એસી' ટ્રેનો માત્ર પાંચ મિનિટના અંતરાલે રવાના થતાં, સામાન્ય મુસાફરો માટે ઉપલબ્ધ વિકલ્પોમાં ઘટાડો થયો છે. એસી લોકલ ટ્રેનોના ટિકિટના ભાવ સામાન્ય માણસને પોસાય તેવા નથી. તેથી, સામાન્ય મુસાફરોને આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. સ્ટેશન પર એકઠા થયેલા મુસાફરોએ વહીવટતંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો.
મુસાફરોએ પોતાનો મત વ્યક્ત કર્યો કે અમે એરકન્ડિશન્ડ ટ્રેનોના વિરોધમાં નથી, પરંતુ તેમને સ્વતંત્ર રીતે ચલાવવામાં આવે. પરિસ્થિતિ વણસતા રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને રેલવે પોલીસે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય પછી રેલ્વે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા બાદ મુસાફરો શાંત થયા હતા.
આ વિરોધ પ્રદર્શનને કારણે વિરાર સ્ટેશનથી ઉપડતી અને આવતી ટ્રેનોના સમયપત્રક પર મોટી અસર પડી હતી. કેટલીક ટ્રેનો રદ કરવી પડી હતી, જ્યારે ઘણી 15થી 20 મિનિટ મોડી ચાલી રહી હતી. જેના કારણે વિરાર, નાલાસોપારા, વસઈ અને ભાયંદર સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આ બનાવનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી પ્રવાસીઓએ રેલવેને નોનએસીના પ્રવાસીઓને પણ હેરાનગતિ થાય નહીં તેની તકેદારી રાખવાનો અનુરોધ કર્યો હતો.