Mon May 04 2026

Logo

પશ્ચિમમ એશિયાની કટોકટીઃ લેધર અને ફૂટવૅર ઉત્પાદકોની મુખ્ય ઈનપૂટ પરની ડ્યૂટી માફીની માગ

2026-05-04 20:42:22
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાની ભૂરાજકીય કટોકટીને ધ્યાનમાં લેતા લેધર અને ફૂટવૅર ઉદ્યોગે સિન્થેટિક લેધર, ધાતુઓની એક્સેસરીઝ, મશીનરી, દોરા, મોલ્ડ્સ, અમુક રસાયણો સહિતનાં મુખ્ય ઈનપૂટ્સ જેનો ઉત્પાદનમાં કુલ હિસ્સો 60 ટકા જેટલો થાય છે તેના પર લાગતી ડ્યૂટીમાં રાહત આપવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સમક્ષ માગણી કરી છે.ઉદ્યોગના એક અધિકારીએ જણાવ્યું હતું કે નિકાસકારોએ સમગ્ર કાચા માલ, મશીનરી અને ઈનપૂટ્સને આવરી લેતી ફ્લોટ (એફએલઓએટી- ફૂટવૅર ઍન્ડ લેધર ઓરિયેન્ટેડ ટ્રાન્સફોર્મેશન) સ્કીમનું વહેલી તકે અમલીકરણ કરવા માટે ભલામણ કરી છે. આ ઉપરાંત તેઓએ સ્થાનિકમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ક્રસ્ટ અને ફિનિશ્ડ લેધરની ડ્યૂટીમુક્ત આયાત માટે પણ મંજૂરી માગી છે. 

પશ્ચિમ એશિયાની કટોકટીને પગલે ઉદ્યોગ કાચા માલ અને ઈનપૂટ ખર્ચમાં 40થી 60 જેટલા વધારાનો સામનો કરી રહ્યો છે. આથી તેઓએ સરકારને સિન્થેટિક લેધર (પીયુ કોટેડ ફેબ્રિક્સ), ફૂટવૅર કમ્પોનન્ટ્સ, ધાતુની એક્સેસરીઝ, લેધર અને ફૂટવૅર મશીનરી, દોરા, મોલ્ડ્સ, ટૉ પફ્સ, આયલેટ્સ, અમુક રસાયણો અને પેકિંગ મટિરિઅલ જેવાં મહત્ત્વનાં ઈનપૂટ્સ પરની ડ્યૂટી માફીનો અનુરોધ કર્યો હોવાનું અધિકારીએ ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે અમુક રબર રસાયણો, એડહૅસિવ, પ્લાસ્ટિક્સ અને શૂ સોલ પેટ્રોલિયમ પેદાશમાંથી બનતા હોય છે અને પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ થવાથી તેલ અને ગૅસના શિપમેન્ટો ખોરવાઈ જવાથી પેટ્રો પેદાશ પર પણ માઠી અસર પડી છે. વધુમાં સ્થાનિક ઉદ્યોગ દ્વારા અન્ય અમુક ઈનપૂટ્સ ચીન, કોરિયા, ઈન્ડોનેશિયા અને જાપાનથી થઈ રહી છે અને આ ક્ષેત્રની આયાત વર્ષાનુવર્ષ ધોરણે 4.49 ટકા ઘટીને 93.8 કરોડ ડૉલરની સપાટીએ રહી છે. 

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષ 2025-26માં લેધર અને લેધરનાં ઉત્પાદનોની આયાત વર્ષાનુવર્ષ ધોરણે 2.36 ટકા ઘટીને 4.26 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, ઉદ્યોગ લેધર સિવાયનાં ગૂડ્સની નિકાસ 5.6 અબજ ડૉલરની સપાટીએ પહોંચવાનો અંદાજ મૂકી રહ્યો છે. ગત નાણાકીય વર્ષ 2024-25માં ફિનિશ્ડ લેધર, ફૂટવૅર કમ્પોનન્ટ્સ, લેધર ગાર્મેન્ટ્સ, લેધરના ગૂડ્સ, સેડલરી અને હાર્નેસ, લેધર સિવાયના ફૂટવૅર તથા ફર અને ફરનાં ઉત્પાદનોની નિકાસ આગલા નાણાકીય વર્ષ 2022-23ના 5.38 અબજ ડૉલર સામે વધીને 5.57 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.