નવી દિલ્હીઃ આજે વિશ્વમાં સોશિયલ મીડિયાની તાકાત શું છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કૉકરોચ જનતા પાર્ટી છે. CJI સૂર્યકાંતે દેશના કેટલાક બેકાર યુવાનોની હરકતો પર કૉકરોચ ટિપ્પણી કરી હતી. જેને લઈ એક યુવકે સોશિયલ મીડિયા પર તેને હથિયાર બનાવ્યું અને ઈન્સ્ટાગ્રામ પર @cockroachjantaparty નામનું હેન્ડલ બનાવ્યું. જેણે ગણતરીના કલાકોમાં જ ફોલોઅર્સના મામલે વિશ્વની સૌથી મોટી પાર્ટીનો દાવો કરનારી ભાજપને પછાડી દીધી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 12 મિલિયનને પાર થઈ ગઈ છે. જ્યારે ભાજપના ઈન્સ્ટાપર હજુ 8.7 મિલિયન, કોંગ્રેસના 13.3 મિલિયન અને આમ આદમી પાર્ટીની 1.3 મિલિયન ફોલોઅર્સ છે.
કૉકરોચ જનતા પાર્ટી (CJP) ની સ્થાપના કરનાર વ્યક્તિનું નામ અભિજીત દીપકે છે. આ નામથી પાર્ટીએ એક વેબસાઇટ પણ બનાવી છે, જેના પર એક લાખ લોકો જોડાઈ ચૂક્યા છે અને પાર્ટીએ તેના પર પોતાનું એક એન્થમ (ગીત) પણ મૂક્યું છે. જો કે, હજુ સુધી આ પાર્ટીના સત્તાવાર રજીસ્ટ્રેશન અંગે કોઈ માહિતી નથી.
CJP ના ફાઉન્ડર અભિજીત દીપકે કોણ છે?
કૉકરોચ જનતા પાર્ટી (CJP) ની સ્થાપના કરનાર અભિજીત દીપકે માત્ર 30 વર્ષના છે. ફ એક અહેવાલ અનુસાર, અભિજીત દીપકે એક પોલિટિકલ કમ્યુનિકેશન સ્ટ્રેટેજીસ્ટ છે. તેઓ નેરેટિવ બિલ્ડિંગ, પબ્લિક મેસેજિંગ અને ડિજિટલ મીડિયા પર રાજકીય અભિપ્રાયોની અસરનું વિશ્લેષણ કરવાના નિષ્ણાત છે. તેમણે પુણેથી જર્નાલિઝમમાં ગ્રેજ્યુએશન પણ કર્યું છે. હાલમાં તેઓ બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન્સનો અભ્યાસ કરી રહ્યા છે. એક ઇન્ટરવ્યુમાં તેઓ નોકરી માટે એપ્લાય કરવાની વાત પણ સ્વીકારી ચૂક્યા છે.
કૉકરોચ જનતા પાર્ટીનું શું છે બેકગ્રાઉન્ડ ?
અહેવાલ અનુસાર, અભિજીત દીપકે 2020 થી 2023 વચ્ચે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા અને ચૂંટણી અભિયાનો સાથે જોડાયેલા રહ્યા છે. 2020માં જ્યારે કેજરીવાલને દિલ્હીમાં મોટી જીત મળી, ત્યારે દીપકેએ તેમની પાર્ટી માટે મીમ-આધારિત ડિજિટલ અભિયાન ચલાવ્યું હતું, જેનાથી પાર્ટીને યુવાનોને જોડવામાં મોટી મદદ મળી હતી.
કૉકરોચ જનતા પાર્ટી શું છે?
સુપ્રીમ કોર્ટના સીજેઆઈ સૂર્યકાંતે 15 મે, 2026ના રોજ દેશના કેટલાક બેરોજગાર યુવાનો માટે કૉકરોચ જેવી ટિપ્પણી કરી હતી. અભિજીત દીપકેએ સીજેઆઈની આ ટિપ્પણીને નકારી ન દીધી અને તેને એક ગ્રુપમાં બદલવાનો પ્રયાસ શરૂ કર્યો. કૉકરોચ જનતા પાર્ટીની વેબસાઇટ પર તેને આળસુ અને બેરોજગાર યુવાનોનો અવાજ ગણાવવામાં આવ્યો છે.
કૉકરોચ જનતા પાર્ટી'નો મેનિફેસ્ટો
જો CJP સત્તામાં આવશે, તો કોઈ પણ ચીફ જસ્ટિસને નિવૃત્તિ (રીટાયરમેન્ટ) પછી રાજ્યસભામાં મોકલવામાં આવશે નહીં.
જો એક પણ સાચા મતદાતાનું નામ (મતદાર યાદીમાંથી) કપાશે, તો ચૂંટણી પંચ સામે કાર્યવાહી કરવામાં આવશે અને યુએપીએ (UAPA) હેઠળ ધરપકડ પણ કરાશે.
મહિલાઓને 50 % અનામત મળશે.
બિઝનેસમેન સાથે જોડાયેલા મીડિયા હાઉસના લાયસન્સ રદ કરવામાં આવશે.
જો કોઈ ધારાસભ્ય કે સાંસદ પક્ષ છોડીને બીજી પાર્ટીમાં જશે, તો તેમને અયોગ્ય જાહેર કરવામાં આવશે અને આગામી 20 વર્ષ સુધી ચૂંટણી લડવા તેમજ જાહેર પદ મેળવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.