Wed Sep 16 2026

Logo

શશી થરુર કેરળના મુખ્ય પ્રધાન બનશે કે નહીં, જાણો સાંસદે શું કહ્યું?

2026-03-19 16:08:00
Author: Tejas Rajpara
શશી થરુર કેરળના મુખ્ય પ્રધાન બનશે કે નહીં, જાણો સાંસદે શું કહ્યું?

તિરુવનંતપુરમ: દક્ષિણ ભારતના મહત્વના રાજ્ય કેરળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તિરુવનંતપુરમના લોકપ્રિય સાંસદ શશી થરૂર મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે તેવી ચાલી રહેલી લાંબી ચર્ચાઓનો હવે અંત આવ્યો છે. થરૂરે પોત જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણી લડવાના નથી. જોકે, તેમણે ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવાની હિમાયત કરીને પોતાની જ પાર્ટીની પરંપરાગત રણનીતિ સામે એક મજબૂત અંગત મંતવ્ય રજૂ કર્યું છે, જેનાથી કોંગ્રેસ છાવણીમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

મીડિયા સાથેની વાતચીતમાં શશી થરૂરે જણાવ્યું હતું કે, તેઓ પોતે ઉમેદવાર નહીં હોવાથી હવે કોઈ એક ચોક્કસ મતવિસ્તાર પૂરતા મર્યાદિત નથી. તેઓ સમગ્ર રાજ્યના ખુણે ખુણામાં ફરીને કોંગ્રેસ અને યુડીએફ માટે પ્રચાર કરવા આતુર છે. 

મુખ્યમંત્રી પદ અંગે તેમણે ભારપૂર્વક કહ્યું કે, આદર્શ રીતે મુખ્યમંત્રીની પસંદગી ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ થવી જોઈએ. થરૂરે આશા વ્યક્ત કરી છે કે કોંગ્રેસ ગઠબંધન 140 માંથી 85 થી 100 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવશે. તેમણે ડાબેરી ગઠબંધન (LDF) પર નિશાન સાધતા કહ્યું કે મુશ્કેલ પીચ પર અમે તેમને 'ગુગલી' નાખીને હરાવવા તૈયાર છીએ.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી. ડી. સતીશને આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ઉમેદવારોના પસંદગી અંગેના તમામ આંતરિક વિવાદો ઉકેલી લેવામાં આવ્યા છે. કોંગ્રેસે અગાઉ 55 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી અને બાકીની 40 બેઠક માટેની યાદી આજે જ જાહેર કરવામાં આવશે. 
પાર્ટી હાઈકમાન્ડે તમામ સમીકરણો ધ્યાનમાં રાખીને ઉમેદવારો નક્કી કર્યા છે. સતીશને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ યાદી જાહેર થયા બાદ પાર્ટી સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરશે.

ચૂંટણી પંચની જાહેરાત મુજબ કેરળ, આસામ અને પુડુચેરીમાં 9 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે તમિલનાડુમાં 23 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં એટલે કે 23 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ વોટિંગ થશે. તમામ પાંચ રાજ્યોની મતગણતરી 4 મેના એકસાથે કરવામાં આવશે. કેરળની જનતા આ વખતે સત્તા પરિવર્તન કરે છે કે ફરી ડાબેરીઓ પર ભરોસો મૂકે છે, તેના પર સમગ્ર દેશની નજર રહેશે.