Sun Mar 08 2026

Logo

Video: કાશ્મીરમાં લાગ્યા અમેરિકા મુર્દાબાદ, ઈઝરાયલ મુર્દાબાદના નારા

1 week ago
Author: Mayur Kumar
Article Image

શ્રીનગરઃ મિડલ ઈસ્ટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો છે. તહેરાન ઉપરાંત ઈરાનના અન્ય શહેરોમાં સતત હુમલા થઈ રહ્યા છે. ઈરાને પણ વળતો જવાબ આપતાં મધ્ય પૂર્વમાં અમેરિકાના સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. આ દરમિયાન કાશ્મીરમાં ઈરાનના સમર્થન તથા અમેરિકા-ઈઝરાયલના વિરોધમાં સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. કાશ્મીરના બડગામમાં શિયા મુસ્લિમે અમેરિકા મુર્દાબાદ, ઈઝરાયલ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ અંગેનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

વીડિયો મુજબ, કાશ્મીરના બડગામમાં સેંકડો શિયા મુસ્લિમો રોડ પર પ્રદર્શન કરી રહ્યા છે. તેમના હાથમાં ઈરાનના ખામેનેઈના પોસ્ટર છે. આ લોકો 'અમેરિકા મુર્દાબાદ', 'ઈઝરાયલ મુર્દાબાદ' અને 'ઈઝરાયલ કા જો યાર હૈ, ગદ્દાર હૈ, ગદ્દાર હૈ' જેવા નારા લગાવી રહ્યા છે.

ઈરાનમાં ફસાયેલા છે અનેક કાશ્મીરી સ્ટુડન્ટ

ઈરાન પર હુમલા બાદ અનેક કાશ્મીરી સ્ટુડન્ટ્સ ત્યાં ફસાઈ ગયા છે. પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબદુલ્લા અને સીએમ ઉમર અબદુલ્લા બંનેએ આ સપ્તાહની શરૂઆતમાં જ ઈરાનમાં રહેતા કાશ્મીરી સ્ટુડન્ટ્સને ભારત લાવવાની અપીલ કરી હતી. તે સમયે એરસ્પેસ ખુલ્લી હોવાથી ઘણા પરત આવી ગયા હતા. જોકે હજુ પણ અનેક સ્ટુડન્ટ્સ ત્યાં ફસાયેલા છે.

ઈરાનના મીનાબ શહેરમાં એક શાળા હવાઈ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 53 પર પહોંચી ગયો છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અન્ય 45 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રારંભિક અહેવાલોમાં મૃતકોની સંખ્યા 24 જણાવવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ આંકડો ઝડપથી વધ્યો છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં મોટાભાગની પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અહેવાલો અનુસાર, આ હુમલો ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાનના વિવિધ સૈન્ય ઠેકાણાઓ પર શરૂ કરવામાં આવેલા મોટા લશ્કરી અભિયાનનો એક ભાગ છે. મીનાબ શહેરમાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સનું એક યુનિટ કાર્યરત છે, જેને સંભવિત લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું. જોકે, મિસાઈલ સીધી શાળા પર પડતા નાગરિકો અને બાળકીઓએ જીવ ગુમાવ્યા છે.