Sun Jul 26 2026

Logo

વુમેન્સ ડે પર બાબા વિશ્વનાથના દરબારમાં મહિલાઓને મળશે સ્પેશિયલ એન્ટ્રી, જાણો કઈ રીતે મળશે એન્ટ્રી...

2026-03-07 18:33:00
Author: Darshana Visaria
Article Image

આવતીકાલે ઈન્ટરનેશનલ વુમેન્સ ડે પર વારાણસીના કાશીથી મહિલાઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કાશીની પવિત્ર ધરતી પર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવનાર છે. આઠમી માર્ચ, 2026ના રોજ વિશ્વનાથ ધામના દ્વાર મહિલા શ્રદ્ધાળુઓ માટે વિશેષ સન્માન સાથે ખુલશે. જી હા, બાબા વિશ્વનાથના દરબારમાં નારી શક્તિને પ્રાધાન્ય આપવા માટે મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવેલા આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. 

શ્રી કાશી વિશ્વનાથ વિશિષ્ટ ક્ષેત્ર વિકાસ બોર્ડ દ્વારા આપવામાં આવેલા ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે આઠમી માર્ચ, 2026ના રોજ ઈન્ટરનેશનલ વુમેન્સ ડે પર મહિલા શ્રદ્ધાળુઓ માટે વિશ્વનાથ ધામના દર્શનની પ્રક્રિયા અત્યંત સુગમ અને સન્માનજનક બનાવવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે વારાણસીની સ્થાનિક મહિલાઓ હોય કે દેશના અન્ય ખૂણેથી આવતી ભક્તો, તમામ મહિલાઓને ગેટ નંબર ૪-બી થી મફત પ્રવેશ આપવામાં આવશે. આ સુવિધાનો લાભ લેવા માટે કોઈ પણ પ્રકારની ટિકિટ કે શુલ્ક ચૂકવવાની જરૂર રહેશે નહીં, એવું ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે. 

મંદિર પ્રશાસન દ્વારા આ નિર્ણય લેતાં જણાવવામાં આવ્યું હતું કે જે મહિલાઓની નાના બાળકો સાથે મંદિરે આવશે તેમને દર્શન માટે પ્રથમ પ્રાથમિકતા (Priority) આપવામાં આવશે. પછી ભલે તે બાળક છોકરો હોય કે છોકરી, માતાઓને લાંબી લાઈનોમાં ઊભા રહ્યા વગર બાબાના આશીર્વાદ લેવા માટે વિશેષ વ્યવસ્થા કરી આપવામાં આવશે.

સ્થાનિકો માટેના સમયમાં કોઈ ફેરફાર નહીં

વારાણસીના સ્થાનિક લોકો માટે જે આરક્ષિત દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે, તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. સ્થાનિકો સવારે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અને સાંજે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધીના નિર્ધારિત સમયે પહેલાંની જેમ જ દર્શન કરી શકશે. 

મંદિર પ્રશાસનનો ઉમદા સંદેશ

મુખ્ય કાર્યકારી અધિકારી વિશ્વ ભૂષણ દ્વારા છઠ્ઠી માર્ચ 2026ના રોજ આ આદેશ જારી કરવામાં આવ્યો છે. પ્રશાસનનું માનવું છે કે દરેક નારીમાં દિવ્ય દેવીઓનો અંશ છે અને આ પહેલ તે દિવ્ય શક્તિને સન્માન આપવા માટે છે.

વિઝિટર્સે ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દાઃ 

મહિલાઓ સીધા ગેટ નંબર ૪-બી પર જઈને મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે કરવામાં આવેલી આ વિશેષ સુવિધાનો લાભ લઈ શકશે.
ભીડ ટાળવા માટે વહેલી સવારે અથવા બપોરના સમયે દર્શન કરવાનું આયોજન કરો.
જો તમે વારાણસીના સ્થાનિક રહેવાસી તરીકે 'લોકલ ટાઈમ'માં દર્શન કરવા માંગતા હોવ, તો આધાર કાર્ડ સાથે રાખવું.