થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં માતાની બીમારીને કારણે ચિંતાગ્રસ્ત 28 વર્ષની પુત્રીએ છઠ્ઠા માળના ફ્લેટની બાલ્કનીમાંથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. કલ્યાણના ગૌરીપાડા વિસ્તારમાં 14 મેના રોજ બનેલી આ દુ:ખદ ઘટના બાદ બીમાર માતાનું પણ મૃત્યુ થયું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
માતાની બીમારીને કારણે પુત્રી ચિંતિત હતી. માતાને તાજેતરમાં બ્રેઇન હેમરેજ થયું હતું અને ડોક્ટરે પરિવારજનોને જણાવ્યું હતું કે તેની બચવાની શક્યતા ખૂબ ઓછી છે. આ સાંભળી પુત્રીને આઘાત લાગ્યો હતો અને તેણે છઠ્ઠા માળની બાલ્કનીમાંથી નીચે ઝંપલાવી દીધું હતું.
દરમિયાન અવાજ સાંભળીને રહેવાસીઓ નીચે દોડી આવતાં મહિલા લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યં ડોક્ટરે તપાસીને તેને મૃત જાહેર કરી હતી. પુત્રીના મૃત્યુના થોડા સમય બાદ માતાએ પણ દમ તોડ્યો હતો.
ખડકપાડા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)