લાહોર: ભારતમાં ઉત્તર પ્રદેશનું નામ ગામ કે શહેરના નામ બદલવાની બાબતમાં સતત ચર્ચામાં રહેતું હોય છે પણ પાકિસ્તાનના કલ્ચરલ કેપિટલ ગણાતા લાહોરના અનેક વિસ્તારો અને મહોલ્લાઓને તેમનો મુસ્લિમ ઇતિહાસ બદલીને જૂની હિન્દુ ઓળખ પરત આપવાની એક મોટી કવાયત શરૂ કરવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર, છેલ્લા બે મહિનામાં જ લાહોરની અંદાજે નવ જેટલી જગ્યાઓના મુસ્લિમ નામો બદલીને તેમને આઝાદી અને ભાગલા પૂર્વેના જૂના હિન્દુ નામો આપવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, જે વિસ્તારનું નામ 'સુન્નતનગર' કરી દેવાયું હતું, તેને હવે ફરીથી તેનું મૂળ નામ 'સંતનગર' આપવામાં આવ્યું છે.
આ ઐતિહાસિક અને સાહસિક પહલ પાછળ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝનો મુખ્ય હાથ હોવાનું કહેવાય છે. અહેવાલો મુજબ, મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે માર્ચ મહિનામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં લાહોર માટે એક વિશેષ પ્રોજેક્ટ 'લાહોર હેરિટેજ એરિયા રિવાઇવલ'ની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત લાહોર શહેરના નવા નામોને ફરીથી જૂના હિન્દુ યુગના આધારે રાખવાનો નિર્ણય લેવાયો હતો. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના જણાવ્યા અનુસાર, આ પ્રેરણા યુરોપથી લેવામાં આવી છે, કારણ કે લાહોરના અસલી અને સદીઓ જૂના ઇતિહાસને સાચવવો ખૂબ જ જરૂરી છે.
જો ઇતિહાસની વાત કરીએ તો, લાહોરના આ તમામ વિસ્તારોના નામ પહેલા હિન્દુ સંસ્કૃતિ આધારિત જ હતા. પરંતુ વર્ષ 1990ના દાયકામાં ભારતમાં બાબરી મસ્જિદના વિવાદ બાદ પાકિસ્તાનમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. તે સમયે નવાઝ શરીફ, બેનઝીર ભુટ્ટો અને ત્યારબાદ પરવેઝ મુશર્રફની સરકારો દરમિયાન આ હિન્દુ નામો બદલીને ઇસ્લામિક નામ રાખવામાં આવ્યા હતા. હવે લાંબી કાનૂની અને વહીવટી પ્રક્રિયા બાદ આ ભૂલ સુધારવામાં આવી રહી છે. નવા બદલાયેલા નામોમાં 'ઇસ્લામપુરા'ને ફરી 'કૃષ્ણનગર', 'મૌલાના ઝફર ચોક'ને 'લક્ષ્મી ચોક', 'બાબરી મસ્જિદ ચોક'ને ફરી 'જૈન મંદિર ચોક' અને 'મુસ્તફાબાદ'ને 'ધર્મપુરા' નામ આપવામાં આવ્યું છે.
આવા નિર્ણય બાદ પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠનોનું વલણ કેવું રહેશે તે અંગે મોટી ચિંતા હતી. જો કે, આશ્ચર્યજનક રીતે આ નામો બદલાવા છતાં ત્યાંના કટ્ટરપંથીઓ તરફથી કોઈ મોટી કે હિંસક પ્રતિક્રિયા આવી નથી. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે મરિયમ નવાઝ સરકારે કટ્ટરપંથી સંગઠન TLP પર પહેલાથી જ પ્રતિબંધ મૂકેલો છે, જ્યારે લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનો તરફથી પણ આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે વિરોધ જોવા મળ્યો નથી.