થાણે: કલ્યાણમાં બે વર્ષનો પુત્ર પોતાની પાસે આવવાનું ટાળતો હોવાથી ઉશ્કેરાયેલા પિતાએ તેને જમીન પર પટક્યો હતો અને ગરમ પ્લેટથી દઝાડ્યો હતો. પુત્રને બચાવવા માટે માતા વચ્ચે પડતાં તેની પણ મારપીટ કરવામાં આવી હતી. બાઝારપેઠ પોલીસે આ પ્રકરણે પિતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
કલ્યાણ પશ્ર્ચિમમાં પારનાકા વિસ્તારમાં રહેનારા રાહુલ સુરેશ વિસાળેનો તેની પત્ની રોહિણી સાથે કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો હોઇ આ મામલો અગાઉ કોર્ટમાં પહોંચ્યો હતો.
રોહિણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર 13 સપ્ટેમ્બરે રાતે 11 વાગ્યે રાહુલ ઘરમાં હાજર હતો અને તેનો પુત્ર તેની પાસે આવવાનું ટાળી રહ્યો હોવાનું જણાતાં તે રોષે ભરાયો હતો. તેણે પુત્રને ઊંચકી જમીન પર પટક્યો હતો અને બાદમાં ગરમ પ્લેટથી તેને દઝાડ્યો હતો, જેને કારણે તેના હાથની ત્રણ આંગળીમાં ઇજા થઇ હતી. એ સમયે રોહિણી પુત્રને બચાવવા વચ્ચે પડતાં રાહુલે તેની પણ મારપીટ કરી હતી.
દંપતી વચ્ચે ચાલી રહેલો કૌટુંબિક વિવાદ અગાઉ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે તાજેતરમાં રોહિણીને સમાધાનના ભાગરૂપે બે મહિના તેના પતિ સાથે રહેવાની સલાહ આપી હતી. આથી પિયરમાં રહેતી રોહિણી પતિ સાથે રહેવા આવી ગઇ હતી.
રોહિણીએ ફરિયાદમાં કહ્યું હતું કે ભૂતકાળના ઝઘડાને કારણે તેનો પતિ મનમાં રોષ રાખતો હતો અને તેને કારણે તેણે બાળક અને મારા પર હુમલો કર્યો હતો. રોહિણીની ફરિયાદને આધારે રાહુલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને જુવેનાઇલ જસ્ટિસ (કૅર એન્ડ પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
(પીટીઆઇ)