Sun Sep 13 2026

Logo

કલ્યાણ-ડોંબિવલીમાં મંગળવારે ૧૨ કલાક પાણીપુરવઠો બંધ રહેશે

2026-04-24 19:06:48
Author: Sapna Desai
કલ્યાણ-ડોંબિવલીમાં મંગળવારે ૧૨ કલાક પાણીપુરવઠો બંધ રહેશે

મુંબઈ: કલ્યાણ-ડોંબિવલી શહેરનો પાણીપુરવઠો આવતા અઠવાડિયામાં ૧૨ કલાક માટે બંધ રાખવામાં આવવાનો હોવાથી પાલિકા પ્રશાસને નાગરિકોને પાણીનો સ્ટોક કરી રાખવાની તથા સંભાળીને વાપરવાની સલાહ આપી છે.મંગળવાર, ૨૮ એપ્રિલના સવારના આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી સમારકામ અને દેખરેખના કામ માટે કલ્યાણ-ડોંબિવલી શહેર પરિસર અને ગ્રામીણ પરિસરમાં પાણીપુરવઠો બંધ રાખવામાં આવશે.

પાલિકાના જણાવ્યા મુજબ પાલિકાના પાણીપુરવઠા વિભાગ મારફત શહેરને જયાંથી પાણીપુરવઠો કરવામાં આવે છે તે પમ્પિંગ સ્ટેશન, વોટર ફિલ્ટરેશન પ્લાન્ટની દેખરેખ અને સમારકામ તેમ જ વીજપુરવઠા કેન્દ્રનું કામ કરવામાં આવવાનું છે. ચોમાસું શરૂ થયા બાદ આ કામમાં અડચણ આવતી હોય છે. તેથી ચોમાસા પહેલા કલ્યાણ-ડોંબિવલી પાલિકાના બારાવે, મોહિલી, નેતિવલી અને ટિટવાળાના વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં ઈલેક્ટ્રિક અને મેકેનિકલ મશીનરીની દેખરેખ અને સમારકામના કામ મંગળવારે કરવામાં આવવાના છે.

આ કામ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ ચાલુ રાખીને કરવું શક્ય નથી હોતું. તેથી સેન્ટરને બંધ કરીને સમારકામ કરવામાં આવવાનું છે. વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી કલ્યાણ પૂર્વ-પશ્ર્ચિમ, કલ્યાણ ગ્રામીણ વિસ્તારમાં માંડા, ટિટવાલા, બનેલી, આંબિવલી, શહાડ, ડોંબિવલી પૂર્વ-પશ્ર્ચિમ ભાગમાંથી પાણીપુરવઠો કરવામાં આવે છે.કલ્યાણ-ડોંબિવલીના અનેક વિસ્તારમાં પાણીની અછત વર્તાઈ રહી છે, તેનો ફાયદો લઈને ટેન્કર લોબી મનફાવે તેવા ભાવ નાગરિકો પાસેથી વસૂલી રહી હોવાની ફરિયાદ પણ સ્થાનિકો દ્વારા થઈ રહી છે. 

કલ્યાણ-ડોંબિવલી શહેરમાં ૨૪ પાણીનું ગળતર છે તો પાણીની ચોરીનું પ્રમાણ ૨૫ ટકા છે. આ ૫૦ ટકા પાણીના નુકસાનને કારણે પાણીની અછત નિર્માણ થઈ હોવાનું માનવામાં આવે છે. કલ્યાણ-ડોંબિવલી શહેરને દરરોજ ૩૪૭ મિલ્યિન લિટર પાણીપુરવઠો કરવામાં આવે છે. વધતી લોકસંખ્યા સામે આ પાણીપુરવઠો અપૂરતો સાબિત થઈ રહ્યો છે.