Wed Jun 10 2026

Logo

કલ્પસર યોજના પૂરી થતાં રાજ્યમાં 10 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે, બે વર્ષમાં કર્યો આટલો ખર્ચ...

2026-03-14 15:15:50
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ કલ્પસર યોજના એ ગુજરાત સરકારની ખંભાતના અખાત પર નિર્માણાધીન એક મહત્વાકાંક્ષી પરિયોજના છે. દક્ષિણ ગુજરાતના દહેજ અને સૌરાષ્ટ્રના ભાવનગરને જોડતા આશરે 30 કિમી લાંબા ડેમ દ્વારા નર્મદા, મહી, સાબરમતી જેવી નદીઓના મીઠા પાણીનો સંગ્રહ, ભરતીમાંથી વીજ ઉત્પાદન, સિંચાઈ અને વાહનવ્યવહારની સુવિધા પૂરી પાડવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વાકાંક્ષી ગણાતી કલ્પસર યોજના 23 વર્ષ બાદ પણ કાગળ પર છે. મોટા સપનાઓ સાથે જાહેર કરાયેલી આ યોજના માટે વહીવટી મંજૂરી અપાયા પછી 23 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં પ્રોજેક્ટ હજુ પણ પ્રારંભિક તબક્કામાં જ અટકેલો છે. ગુજરાત વિધાનસભમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ  ઈટાલીયાએ કલ્પસર યોજનાની કામગીરી અંગે સવાલ પૂછ્યો હતો.

ગોપાલ ઈટાલીયાએ પૂછ્યું કે, 01-01-2026ની સ્થિતિએ કલ્પસર યોજનાની કામગીરી કયા તબક્કે છે, છેલ્લા બે વર્ષમાં વર્ષવાર યોજનાને કેટલી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી, કેટલી રકમનો ખર્ચ થયો અને કયા વર્ષમાં પૂર્ણ કરવાનું સરકારનું આયોજન છે તેમજ રાજ્યના કેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.

જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, 01-01-2026ની સ્થિતિએ કલ્પસર યોજનાની કામગીરી હાલ ડીટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ આખરીકરણ તબક્કે છે. 2024-25માં રૂ. 200 લાખ અને 2025-26માં 01-01-2026 સુધી રૂ. 200 લાખ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જે પૈકી 01-01-2026ની સ્થિતિએ કુલ રૂ. 260.21 લાખનો ખર્ચ થયો છે.

કલ્પસર યોજના ડીટેલઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) ના આખરીકરણ બાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જરૂરી મંજૂરીઓ મેળવી યોજના શરુ થયેથી આઠ  વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ યોજના પૂર્ણ થયેથી રાજ્યના અંદાજીત 10 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. 

છેલ્લા બે વર્ષ દરમિયાન કલ્પસર યોજના માટે કુલ 8 અલગ અલગ સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ સર્વે અને અભ્યાસ માટે કલ્પસર યોજના રાજ્ય માટે અત્યંત મહત્ત્વાકાંક્ષી માનવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખંભાતના અખાત પર વિશાળ ડેમ અથવા બેરેજ બનાવી સમુદ્રના પાણીનું નિયંત્રણ કરીને મીઠું પામી સંગ્રહ કરવાની યોજના છે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થાય તો પીવાનું પાણી, સિંચાઇ માટે પાણી, માર્ગ વ્યવસ્થા, વીજ ઉત્પાદન તેમજ દરિયાઇ પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા જેવી અનેક સુવિધાઓ ઉભી થઇ શકે તેવી કલ્પના કરવામાં આવી હતી. આ ઉપરાંત આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને પાણીની મોટી રાહત મળી શકે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.