ભોપાલ: દેશમાં રાજ્ય સભાની ચૂંટણી માટે ઉમેદવારીને લઇને રાજકીય પક્ષો સક્રિય છે. જોકે, આ દરમિયાન મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જેમાં મધ્ય પ્રદેશમાંથી કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન ચકાસણી દરમિયાન રદ કરવામાં આવ્યું છે. આ મુદ્દે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. તેમજ આ અંગે કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં બુધવારે ચૂંટણી પંચ વિરુદ્ધ ભૂખ હડતાળ કરશે.
ભાજપ પર સીટ લૂંટનો આરોપ લગાવ્યો
આ અંગે મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ આ મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જાહેરાત કરી છે કે કોંગ્રેસના તમામ ધારાસભ્યો બુધવાર 10 જૂને ચૂંટણી પંચ વિરુદ્ધ ભૂખ હડતાળ કરશે. જીતુ પટવારીએ ભાજપ પર સીટ લૂંટનો આરોપ લગાવ્યો છે.
અમે સત્ય અને ન્યાય માટે આ લડાઈ દરેક સ્તરે લડીશું
જીતુ પટવારીએ જણાવ્યું હતું કે મીનાક્ષી નટરાજનનું નામાંકન રાજકીય કારણોસર રદ કરવામાં આવ્યું હતું. કારણ કે તેઓ કાનૂની રીતે તેને રદ કરી શકતા ન હતા તેથી તેઓએ આ કાર્યવાહીનો આશરો લીધો. સરકારના આ પગલાથી મધ્યપ્રદેશની છબી ખરડાઈ છે. આ દેશની લોકશાહીને બચાવવા માટેની લડાઈ છે. તેમજ ભાજપ દ્વારા લોકશાહીની હત્યા કરવાના કૃત્યથી ફરી એકવાર બંધારણીય સંસ્થાઓના દુરુપયોગનો પુરાવો મળ્યો છે.અમે સત્ય અને ન્યાય માટે આ લડાઈ દરેક સ્તરે લડીશું અને ગમે તે થાય વિજયી બનીશું.
લોકશાહીને કચડી નાખતી રાજનીતિ
આ મુદ્દે મીનાક્ષી નટરાજને જણાવ્યું હતું કે જરૂરી સંખ્યા ન હોવા છતાં ભાજપનો ત્રીજો ઉમેદવાર ઉતારવાનો નિર્ણય બંધારણ અને લોકશાહીને કચડી નાખતી રાજનીતિને પ્રતિબિંબિત કરે છે. તેમણે ટિપ્પણી કરી હતી કે રાજ્યસભા અને અન્ય ચૂંટણીઓમાં 'SIR મિકેનિઝમ' દ્વારા અગાઉ ઉપયોગમાં લેવાતી મત ચોરીની યુક્તિઓનું પુનરાવર્તન કરવાના પ્રયાસો હવે થઈ રહ્યા છે. જ્યારે તેઓ મહિલા સશક્તિકરણની વાતો કરે છે પરંતુ વર્તન કઇ અલગ જ કહે છે.
એફિડેવિટમાં ગુનાહિત કેસ છુપાવ્યાનો આરોપ
જોકે, આ પૂર્વે ભાજપે કોંગ્રેસના ઉમેદવાર પર એફિડેવિટમાં ગુનાહિત કેસ છુપાવ્યાનો આરોપ લગાવ્યો હતો. મધ્ય પ્રદેશ ભાજપના કદાવર નેતા કૈલાશ વિજયવર્ગીય અને રાકેશ સિંહે મિનાક્ષીના ફોર્મ પર વિરોધ વ્યક્ત કર્યો હતો.