Fri Sep 11 2026

Logo

અમદાવાદમાં 4,850 કિલો ગાયનું શંકાસ્પદ નકલી ઘી પકડાયું

2026-06-09 21:00:52
Author: Pooja Shah
અમદાવાદમાં 4,850 કિલો ગાયનું શંકાસ્પદ નકલી ઘી પકડાયું

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા ) ના ફૂડ વિભાગે આજે શહેરભરમાં ત્રણ સ્થળોએ તપાસ દરમિયાન 31.81 લાખ રૂપિયાની કિંમતનું 4,850 કિલો શંકાસ્પદ નકલી ગાયનું ઘી જપ્ત કર્યું હતું. બે બ્રાન્ડના ઘીના નમૂના પ્રયોગશાળા પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, અને પરીક્ષણ પરિણામોના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. 

મનપાની ટીમે 8મી જૂને રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન, અધિકારીઓએ સીટીએમમાં પૂર્વદીપ સોસાયટી પાછળ લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતેના કમ્પાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું અધિકારીઓએ પરિસરમાંથી આશરે ૩,૨૫૦ કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત કર્યું, જેની કિંમત ૨૧.૩૧ લાખ રૂપિયા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે સમગ્ર સ્ટોક વેચાણમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને યુનિટને સીલ કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને બ્રાન્ડ્સનું ઉત્પાદન સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ દ્વારા કરવામાં આવે છે, જે દસક્રોઈ તાલુકાના પાલડી-કાકંજ ગામ નજીક ઓડ-પીરાણા રોડ પર સ્થિત છે. મનપા એ કેસની વિગતો વધુ તપાસ માટે સંબંધિત રાજ્ય સરકારના અધિકારીઓને મોકલી છે.

તપાસ દરમિયાન, અધિકારીઓએ સમાન બ્રાન્ડના બે વધારાના વિતરકો, વટવામાં વિરકૃપા ટ્રેડિંગ અને દૂધેશ્વરમાં ત્રિશલા એજન્સીની પણ માહિતી મેળવી હતી. બંને સ્થળોનું નિરીક્ષણ કરવા માટે અલગ-અલગ ટીમો મોકલવામાં આવી હતી, જેના પરિણામે રૂ. ૧૦.૪૯ લાખની કિંમતના લગભગ ૧,૬૦૦ કિલો શંકાસ્પદ ઘીનું વેચાણ રોકી રાખવામાં આવ્યું હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

કુલ મળીને, મનપાના ફૂડ વિભાગે 31.81 લાખ રૂપિયાની કિંમતના 4,850 કિલો શંકાસ્પદ ગાયના ઘીનું વેચાણ અટકાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે લેબોરેટરી રિપોર્ટ્સ દ્વારા ઉત્પાદનોની ગુણવત્તા અને અધિકૃતતાની માહિતી મળ્યા બાદ  વેપારીઓ અને અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.