બોલીવૂડની પોપ્યુલર એક્ટ્રેસ અને ફેશન આઇકોન સોનમ કપૂર આજે પોતાનો 41મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ સ્પેશિયલ ડે પર સોશિયલ મીડિયા પર ફેન્સ સિવાય સોનમ કપૂરના પરિવારના સભ્યો અને નજીકના ફેન્સ અત્યંત રોમેન્ટિક અને ભાવુક અંદાજમાં તેને બર્થડે વિશ કર્યું છે. સોનમના સાસુ પ્રિયા આહુજા, પિતા અનિલ કપૂર અને અભિનેત્રી કરીના કપૂરે ખાસ પોસ્ટ શેર કરીને સોનમ પર પ્રેમ લૂંટાવી રહ્યા છે.
સોનમ કપૂરની સાસુ પ્રિયા આહુજાએ વહુરાણી સોનમને ઈન્સ્ટાગ્રામ કેટલાક અપ્રતિમ ફેમિલી ફોટોઝ શેર કર્યા છે, જેમાં આખો પરિવાર ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળી રહ્યો છે. આ તસવીરો શેર કરતા પ્રિયા આહુજાએ કેપ્શનમાં લખ્યું હતું કે અમારી વહાલી સોનમ... તે એક 'સુપરમોમ' છે અને અમારા વહાલા બાળકો વાયુ અને રુદ્રનો ખૂબ જ સારી રીતે ઉછેર કરી રહી છે. આ વખતનો જન્મદિવસ વધુ ખાસ છે કારણ કે સોનમ આ દિવસ તેના બંને માસૂમ પુત્રો સાથે ઉજવી રહી છે.
તેમણે પોતાની પોસ્ટમાં આગળલખ્યું હતું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સોનમની જિંદગી હંમેશા ખુશીઓ, આશીર્વાદ અને સુંદર યાદોથી ભરેલી રહે. વાયુ અને રુદ્ર હંમેશા તેમની માતાના જીવનમાં હાસ્ય લાવતા રહે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, સોનમ.
એવરગ્રીન એક્ટર અનિલ કપૂરે પણ પોતાની લાડલી દીકરી સોનમ કપૂરને અનોખા અંદાજમાં શુભેચ્છા પાઠવી છે. તેમણે એક સુંદર વીડિયો શેર કરીને દિલને સ્પર્શી જાય તેવી નોટ લખી છે. અનિલ કપૂરે લખ્યું હતું કે હેપ્પી બર્થડે સોનમ, તારા વિશે ઘણું બધું કહી શકાય તેમ છે, પરંતુ કોઈ પણ શબ્દો એ વર્ણવી શકતા નથી કે તું કેટલી ખાસ, સુંદર અને પ્રેમાળ દીકરી છે. તારી સ્માઈલ બધે જ રોશની ફેલાવી દે છે. માત્ર આજે જ નહીં, પરંતુ દરરોજ હું એ જ દુઆ કરું છું કે તારું જીવન ખુશીઓ, પ્રેમ, હાસ્ય અને અદભુત પળોથી ભરેલું રહે. લવ યુ સો મચ બેટા.
https://www.instagram.com/reel/DZWioecMTiY/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં સોનમ સાથે સ્ક્રીન શેર કરનારી બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર-ખાને પણ સોશિયલ મીડિયા પર સોનમ સાથેની એક ગ્લેમરસ તસવીર શેર કરી છે. કરીનાએ કેપ્શનમાં શોર્ટ એન્ડ સ્વીટ અંદાજમાં લખ્યું, હેપ્પી બર્થડે વીરે, લવ યુ.
અત્રે ઉલ્લેખનીય છે કે બોલીવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર છેલ્લાં અનેક સમયથી મોટા પડદા અને લાઈમલાઈટથી દૂર છે. સોનમ પોતાના પરિવાર અને બાળકોના ઉછેરમાં વ્યસ્ત છે. સોનમ છેલ્લે 2023માં રિલીઝ થયેલી ફિલ્મ 'બ્લાઈન્ડ'માં જોવા મળી હતી, જેમાં તેના અભિનયની પ્રશંસા થઈ હતી.