Wed Jun 10 2026

Logo

PoKમાં હિંસા: ભારત સરકારે પાકિસ્તાનની કાઢી ઝાટકણી, નાગરિકો પરના અત્યાચારોને ગણાવ્યા શરમજનક

2026-06-09 22:23:17
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ સમયાંતરે પાકિસ્તાન તરફથી છતા છમકલાનો ભારત જડબાતોડ જવાબ આપે છે પણ પાકિસ્તાન આવા છમકલા ભારતમાં જ કરે છે એવું નથી. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં લોકો સાથે જે રીતે વર્તાવ કરવામાં આવ્યો એના પરથી પાકિસ્તાનની છબી વધુ એકવાર કેવી છે એ ઉઘાડી પડી ગઈ છે. ભારતે આ ઘટનાની નોંધ લઈને આકરા શબ્દોમાં તેની નિંદા કરી છે.પાકિસ્તાન પ્રાંતમાં જ એમના જ લોકો દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો હોવાની વાત મળી હતી, PoKમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ટોળા સામે પોલીસે માનવતાને શરમાવે એવો અત્યાચાર કર્યો હતો. 

20થી વધુ લોકોના મૃત્યુ
પોલીસની આ પ્રકારની કામગીરીમાં 20થી વધારે લોકોનાં મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનાની નોંધ ભારતે લીધી છે અને પ્રતિક્રિયા પણ આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ઘટનાની નિંદા કરીને પાકિસ્તાનને આકરા શબ્દોમાં સંભળાવી દીધું છે. એમના નિવેદનમાં પાકિસ્તાનની નિષ્ફળતાની સ્પષ્ટતા હતી, જવામાં આકરૂ વલણ હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને પોતાની નિષ્ફળતા છુપાવવા અને માનવાધિકારનું ઉલ્લંઘનથી ધ્યાન ભટકાવવા વધુ એક હતાશાભર્યો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાન તરફથી પણ કેટલાક ફેક ન્યૂઝનો મારો ચલાવાઈ રહ્યો છે.વીડિયો પોસ્ટ થઈ રહ્યા છે. પણ દરેક ઘટનાને ગંભીરતાથી જોવામાં આવી રહી છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પોલીસનો અસલી ચહેરો ઉઘાડો પડ્યો, પોલીસે લોકો પર અત્યાચાર કર્યા જેમાં અનેક પ્રદર્શન કરનારાઓનું મૃત્યુ થયું છે તે અનેક લોકોને ગંભીર ઈજા પહોંચી છે. 

12 બેઠકોને લઈને ખેંચતાણ
અમને આશા છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનને એના ખોટા કામ અને નક્કામા પગલા-નિર્ણય અંગે જવાબદાર ઠેરવશે. વાત મૂળ એવી છે કે, PoK માં શરણાર્થીનો મુદ્દો ફરી ચર્ચામાં છે, જેમાં 12 વિધાનસભા બેઠકને લઈને તણાવગ્રસ્ત વાતાવરણ ઊભું થયું છે. પાકિસ્તાન સરકાર આ બેઠકનો ખોટો ઉપયોગ કરે છે, ખાસ કરીને પોતાનું હિત નક્કી કરવા માટે આ બેઠકને આગળ ધરી દે છે. આને ખતમ કરવાની માગને લઈને આ જ વિસ્તારમાં અગાઉ પણ હિંસક પ્રદર્શન થયેલા છે. આ વખતે પણ હિંસક પ્રદર્શનનો ભોગ સ્થાનિકો બન્યા હતા. તા.27 જુલાઈના રોજ આ વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. એ પહેલા વિરોધ પ્રદર્શન સાથે હિંસાનો માહોલ ઊભો થયો છે. રાજકીય તણાવ વચ્ચે આ પહેલાના વિરોધ પ્રદર્શનમાં પણ 11 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. 60થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

પોલીસે સરકારી સંસ્થા પર આરોપ મૂક્યો
સ્થિતિ એવી છે કે, આ પ્રકારની ઘટનાને કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ છે. રાવલકોટમાં જેએએસીના સમર્થકે એક સાથી કાર્યકર્તાની હત્યા કરી હતી, જેના વિરોધમાં લોકો એકઠા થયા બાદ સુરક્ષાના દળ અને આ પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી પણ થયેલી હતી.આર્થિક મુદ્દાઓ, વહીવટી તંત્ર અને રાજકીય કેટલાક મુદ્દાઓને લઈને અહીંયા સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બેઠકને લઈને અહીં માહોલ સૌથી વધુ તણાવગ્રસ્ત છે. 12 બેઠકનો ઉપયોગ પાકિસ્તાનની રાજકીય પાર્ટીઓ પોતાના હિત માટે કરે એ પ્રકારી યોજના ઘડાઈ છે. જેથી આ વિસ્તારમાં સરકાર બનાવી શકે. બીજી અસર એ થાય કે, અહીં સ્થાનિક લોકોનું પ્રતિનિધિત્વ નબળું પડી જાય. રાવલકોટમાં ચૂંટણીને લઈને માહોલ રાજકીય કરતા હિંસક વધારે છે. પોલીસ અધિકારીઓએ એવો આરોપ લગાવ્યો કે, સરકારી સંસ્થાઓ પણ હિંસક પ્રવૃતિઓમાં સામેલ હતી.