Wed Jun 10 2026

Logo

PoKમાં પાકિસ્તાની રેન્જર્સનો અત્યાચાર...પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીબાર, 11ના મોત

2026-06-09 09:29:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર (POK) ફરી એકવાર અશાંતિ અને હિંસાની ઝપેટમાં આવી ગયું છે. અહીં સક્રિય નાગરિક સંગઠન 'જોઇન્ટ અવામી એક્શન કમિટી' (JAAC) પર પ્રતિબંધ મુકાયા બાદ વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. રાવલકોટમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં 11 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે, જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ હિંસા એવા સમયે થઈ છે જ્યારે સમગ્ર વિસ્તારમાં 9 જૂન એટલે કે આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

પરિસ્થિતિ ત્યારે વધુ બગડી જ્યારે JAACના સમર્થકો એક હોસ્પિટલના પીએમ રૂમ (મોર્ચરી) ની બહાર એકઠા થયા. અહીં સંગઠનના એક કાર્યકરનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો, જેનું અગાઉ થયેલા ગોળીબારની ઘટનામાં મોત થયું હતું. મોટી સંખ્યામાં એકઠા થયેલા પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળોએ (પેરામિલિટ્રી ફોર્સ) કાર્યવાહી કરી, ત્યારબાદ સ્થિતિ હિંસક બની ગઈ.

આખરે વિરોધ કેમ ભડક્યો?

POKમાં તાજેતરના આંદોલનનું સૌથી મોટું કારણ ત્યાંની વિધાનસભામાં 12 અનામત બેઠકોને લઈને લેવાયેલો નિર્ણય છે. 45 સભ્યોની વિધાનસભામાં આ બેઠકો એવા શરણાર્થીઓ માટે અનામત રાખવામાં આવી છે જેઓ કાશ્મીર સાથે જોડાયેલા હોવાનો દાવો કરે છે, પરંતુ હાલમાં પાકિસ્તાનના અન્ય ભાગોમાં રહે છે.

JAAC અને અન્ય સ્થાનિક સંગઠનોનો આક્ષેપ છે કે આ વ્યવસ્થાથી સ્થાનિક લોકોનું રાજકીય પ્રતિનિધિત્વ નબળું પડશે અને બહારનો પ્રભાવ વધશે. તેમનું કહેવું છે કે આ વિસ્તારના ભવિષ્ય સાથે જોડાયેલા નિર્ણયો પર માત્ર ત્યાં રહેતા લોકોનો જ અધિકાર હોવો જોઈએ. આ જ માંગને લઈને સંગઠન લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યું છે.

9 જૂનના એટલે કે મંગળવારનું સૂચિત બંધ માત્ર અનામત બેઠકોના વિરોધ પૂરતું મર્યાદિત ન હતું. પ્રદર્શનકારીઓ JAAC પર લાદવામાં આવેલા પ્રતિબંધ, ઇન્ટરનેટ બેન અને સંગઠનના એક નેતાની હત્યા સામે પણ વિરોધ નોંધાવવા માંગતા હતા.

માનવાધિકાર સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી

આ સમગ્ર ઘટનાક્રમ પર પાકિસ્તાનના માનવાધિકાર આયોગ (HRCP) એ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આયોગે જણાવ્યું કે, તેઓ રાવલકોટમાં થયેલી હિંસા અને JAAC પર લાદવામાં આવેલા પ્રતિબંધથી અત્યંત ચિંતિત છે.

ચૂંટણી પહેલા વધારાઈ સુરક્ષા

દરમિયાન JAACના નેતાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે પ્રતિબંધ હોવા છતાં તેમનું આંદોલન ચાલુ રહેશે. આ વિસ્તારમાં 27 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં વહીવટીતંત્રે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી છે.