Wed Jun 10 2026

Logo

ફિલિપાઈન્સમાં 50 વર્ષનો સૌથી ભયાનક ભૂકંપ: તબાહી વચ્ચે દાદીએ આ રીતે બચાવ્યો માસૂમનો જીવ, જુઓ વીડિયો!

Manila   2026-06-09 15:23:58
Author: Mayur Patel
Article Image

7.8ની તીવ્રતાના ભૂકંપમાં 41ના મોત અને ભારે નુકસાન, ઝૂલાની જેમ હલતી જોવા મળી 36 માળની બિલ્ડિંગ

મનીલાઃ ફિલિપાઈન્સના 8 જૂને આવેલા 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. મૃત્યુઆંક 41 પર પહોંચ્યો છે અને 4 લોકો લાપતા છે, જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપ ફિલિપાઈન્સમાં આવેલા છેલ્લા 50 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. ભૂકંપના કારણે 20 હજાર લોકોએ ઘર છોડવું પડ્યું છે. લોકો રાહત શિબિરમાં રહેવા મજબૂર બન્યા છે. બચાવકર્તા ધ્વસ્ત થઈ ગયેલી ઈમારતમાં ફસાયેલા લોકોને આજે પણ શોધી રહી છે.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ ફિલિપાઈન્સના બીજા સૌથી મોટા ટાપુ મિંડાનાઓ પાસે દરિયામાં હતું. ભૂકંપ બાદ સુનામીની આશંકાથી હજારો લોકો તેમના ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા. ફિલિપાઈન્સમાં દરિયાની લહેરો સામાન્યથી 1.4 મીટર સુધી ઊંચી હતી. જોકે સુનામીથી મોટું નુકસાન નહોતું થયું, પરંતુ નાની લહેરો ઈન્ડોનેશિયા, પલાઉ અને દક્ષિણ જાપાન સુધી પહોંચી હતી. ભૂકંપ દરમિયાન એક દાદીએ પડદો પકડીને  બાળકનો જીવ બચાવ્યો હતો. જ્યારે 36 માળની ઊંચી ઈમારત ઝૂલાની જેમ હલતી નજરે પડી હતી.

સૌથી વધારે નુકસાન ઈમારત પડવાથી અને લેંડસ્લાઈડથી થયું હતું. જનરલ સૈંટોસ શહેરમાં ઈમારત પડવાથી 13 લોકોનાં મોત થયા. આ શહેર ફિલિપાઈન્સની ટૂના માછલી ઈન્ડસ્ટ્રીની રાજધાની માનવામાં આવે છે. સારંગાનીમાં લેંડસ્લાઈડથી 18 લોકોના મોત થયા હતા. જ્યારે બાકીના મૃત્યુ કોટાબાટો, દાવાઓ ઑક્સિડેંટલ અને બાલુટ આઈલેન્ડમાં થયા હતા. 
સરકારના પ્રારંભિક આકડા પ્રમાણે 2000 ઘર અને 117 સરકારી ઈમારતો તથા અન્ય સુવિધાઓને નુકસાન થયું છે. ડનરલ સૈંટોસ ઈન્ટરનેશનલ એપાર્ટમેન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે, જેનાથી 63 ઘરેલુ ઉડાન રદ કરવી પડી છે. માત્ર બચાવ કાર્ય સાથે જોડાયેલી ઉડાનને જ મંજૂરી આપવામાં આવી છે.

બે મહિનાના ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ખૂલી હતી ત્યારે જ ભૂકંપ આવ્યો હતો. અનેક ઘાયલ વિદ્યાર્થીઓ સવારના કાર્યક્રમ દરમિયાન શાળામાં હાજર હતા. આશરે 6000 સરકારી શાળાઓની તપાસ કરાશે, જે બાદ ફરીથી અભ્યાસ શરૂ થશે. સતત આવી રહેલા ઝટકાના કારણે  તિરાડવાળી ઈમારતો ધરાશાયી થવાની ચેતવણી પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ફિલિપાઈન્સમાં 1976માં 8.1ની તીવ્રતાનો ભૂકંપ અને સુનામી આવી હતી. જેમાં 8000 લોકોના મૃત્યુ થયા હતા. જે બાદ આ ભૂકંપને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે.