મોરબી: સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે વીજ લાઇન નાખવા મુદ્દે શરૂ થયેલો વિવાદ હવે મોરબી જિલ્લામાં પણ ફેલાયો છે. મોરબી જિલ્લાના જેતપર ગામમાં વીજ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી વીજલાઈનના વિરોધમાં આજે ખેડૂતોએ અણિયારી ટોલનાકા નજીક વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ અણિયારી ટોલનાકા પર ચક્કાજામ કર્યો હોઇ કાયદો વ્યવસ્થા જાળવવા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ દરમિયાન પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો. અમુક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી હતી અને બાદમાં તેઓને છોડી દેવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસો સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સહિતના જિલ્લામાં વીજલાઇન નાખવા મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે વિવાદ સર્જાયો છે. ત્યારે મોરબી જિલ્લાના જેતપર ગામમાં વીજ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી વીજલાઈન મુદ્દે પણ સ્થાનિક ખેડૂતોમાં રોષ છે અને આ વીજ કંપનીની કામગીરીનો વિરોધ નોંધાવવા માટે આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક આગેવાનો અણિયારી ટોલનાકા નજીક ભેગા થયા હતા. રોષે ભરાયેલા ખેડૂતોએ અણિયારી ટોલનાકા પર ચક્કાજામ કર્યો હતો અને આથી હાઇવે પણ ટ્રાફિક સર્જાયો હતો. જો કે આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે ખેડૂતો પર બળપ્રયોગ કર્યો હતો. જો કે આ દરમિયાન અમુક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી હતી અને બાદમાં તેઓને છોડી દેવામાં આવ્યા ત્યારે ગામ લોકોએ તેમનું સન્માન કર્યું હતું.
"ખેડૂત વિરોધી ભાજપ"
— Isudan Gadhvi (@isudan_gadhvi) June 9, 2026
આ વીડિયો આ વાત ને સાબિત કરે છે કે ભાજપ ખેડૂત વિરોધી છે.
ભાજપ અને તેના મળતિયાઓ મનફાવે એમ ખેડૂતો સાથે અન્યાય કરે, તેમની જમીનો પચાવી પાડે, થાય એટલું ખેડૂતોનું ખોટું કરે.
જ્યારે ખેડૂત જાગૃત થઈ પોતાના સાથે થતા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવે સરકારનો વિરોધ કરે ત્યારે… pic.twitter.com/J857zR3f4h
આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું, ખેડૂતો ભોળા છે, ભાજપને ખોબલે ખોબલે મત આપે છે, જ્ઞાતી-જાતિના મુદ્દાઓ પર મત આપે છે પણ તેનો અર્થ એ નથી કે તમે તેના પર જુલમ કરો. મોરબીમાં જે થયું તે ખૂબ દુઃખદ છે. જે કંપનીઓ થાંભલા નાખે છે તે પ્રાઇવેટ છે, એકલી કમાણી કરવાની છે તો પછી ખેડૂતોને વળતર આપવામાં જ પેટમાં કેમ દુખે છે. તેમણેકહ્યું હતું કે જો કંપનીઓ મફતમાં વીજળી આપવાની હોય તો ખેડૂતો થાંભલા નાખવા દેશે. ખેડૂતોની મંજૂરી વિના તેમની જમીનમાં પ્રવેશવાનું, કલેકટર, મંત્રીઓ તેમને મંજૂરી આપી છે અને તેમ છતાં ભાજપના નેતાઓના મોઢા સિવાય ગયા છે. તેમણે કહ્યું હતું કે ખેડૂતો સાથે આ વ્યવહાર એ ગુજરાતના 54 લાખ ખેડૂતોનું અપમાન છે. તેમણે સરકારને કમિટી બનાવીને ખેડૂતોને વિશ્વાસમાં લઈને તેમની વાત જાણવા તેમજ તેમનું વળતર નક્કી કરવાની અપીલ કરી હતી.
મોરબીમાં ખેડૂતો પર જે રીતે અત્યાચાર કરવામાં આવ્યો છે એ જોઈને ખૂબ દુઃખ થયું.
— Isudan Gadhvi (@isudan_gadhvi) June 9, 2026
ખેડૂતો સાથે ખોટું કરીને ભાજપના નેતાઓ કમાય, ભાજપના મળતિયાઓ કમાય, પ્રાઇવેટ કંપનીઓ પૂરતું વળતર આપ્યા વગર મનફાવે એમ ખેડૂતોની જમીનો પચાવી પાડે.
જ્યારે આ બધા અત્યાચાર સામે ખેડૂતો અવાજ ઉઠાવે તો સરકાર ખેડૂતો પર… pic.twitter.com/Yj917z1js7
ઉલ્લેખનીય છે કે ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનના થાંભલા નાખવાના મુદ્દે ખેડૂતો અને પાવર ગ્રીડ કંપની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભારે વિવાદ મામલે આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કોંઢ ગામે પહોંચીને પીડિત ખેડૂતોની મુલાકાત લીધી હતી. તેમણે ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે ધારદાર રજૂઆત કરી સરકાર અને કંપનીની નીતિઓનો સખત વિરોધ કર્યો હતો. ખેડૂતોને સંબોધતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને અપીલ કરી હતી કે ગાંધીનગરમાં બેઠેલા લોકોને ખબર પડી ગઈ છે કે ખેડૂત વર્ગ વેરવિખેર છે, તેથી હવે તમામ જ્ઞાતિના લોકોએ એક થઈને આ અન્યાય સામે લડવું પડશે. તેમણે કહ્યું હતું કે હું અહી કોઈ પાર્ટીના નેતા તરીકે નહીં પણ ખેડૂતના દીકરા તરીકે આવ્યો છું. પાર્ટીમાં તો આજે હોય કાલે ન પણ હોય, પણ માવતર એટલે કે ખેડૂત વર્ગનો નાશ નથી થતો. તેમણે તેમણે સુરેન્દ્રનગર ઉપરાંત કચ્છ, જામનગર અને મોરબીમાં થાંભલાના પ્રશ્નો તથા જૂનાગઢ-ગીર સોમનાથમાં ઇકો ઝોનના પ્રશ્નોનો ઉલ્લેખ કરી ખેડૂતોની દયનીય સ્થિતિનો ચિતાર આપ્યો હતો.
ગોપાલ ઇટાલિયાએ વધુ ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, કંપનીઓ કાગળ પર નક્કી કરેલા અક્ષાંશ-રેખાંશ મુજબ કામ કરવાને બદલે ખોટી રીતે રસ્તાઓ બદલી નાખે છે અને આ માટે પોલીસને સાથે રાખવામાં આવે છે. વિધાનસભામાં મેળવેલી માહિતીનો હવાલો આપતા તેમણે જણાવ્યું હતું કે, સરકારે કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓન-પેમેન્ટ પોલીસ બંદોબસ્તના નામે 13 કરોડ રૂપિયા લઈને પોલીસ સીધી કંપનીઓને ભાડે આપી દીધી છે. ખેડૂતોને મદદ કરવાને બદલે તેમને મારવા માટે કંપનીઓને પોલીસ ભાડે આપતી સરકારની દાનત ખરાબ હોવાનો આરોપ લગાવી તેમણે આગામી સમયમાં આ મુદ્દે ખેડૂતોની મુશ્કેલીઓ વધવાની ચિંતા વ્યક્ત કરી હતી.