Wed Jun 10 2026

Logo

દિલ્હીમાં કોળી સમાજના અધિવેશનમાં ગુજરાતના બે નેતાનું શક્તિ પ્રદર્શન

2026-06-09 20:35:58
Author: Pooja Shah
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
દેશની રાજધાની દિલ્હીમાં યોજાનારા કોળી સમાજના બે અલગ અલગ અધિવેશનમાં ગુજરાતના બે નેતા કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી શક્તિ પ્રદર્શન કરશે. દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજનું એક અધિવેશન  21મી જૂને યોજાનાર છે ત્યારે તે પહેલા 14મી જૂને બીજા એક અધિવેશનની જાહેરાત કરવામાં આવી છે. 14મી જૂને ગુજરાતના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાના નેતૃત્વમાં અધિવેશન યોજાનાર છે જ્યારે બીજી બાજુ 21મી જૂને વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ  વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે, જેમાં રાજુલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકી ભાગ લેવાના છે. 

કોળી સમાજના નેતૃત્વ માટેની આ લડાઈ જાહેરમાં આવી ગઈ છે અને ગુજરાતમાં કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે કથિત કોલ્ડવોરની ચર્ચાએ જોર પકડ્યું છે.  વિરેન્દ્ર કશ્યપ દ્વારા 21 જૂન, 2026ના રોજ દિલ્હીના લાલ કટોરા સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવ્યું છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ પણ 14 જૂન, 2026ના રોજ દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે અલગ રાષ્ટ્રીય અધિવેશન યોજવાની જાહેરાત કરી છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે અહેવાલો અનુસાર દેશભરમાં કોળી સમાજની વસ્તી 25 કરોડ હોવાનું અનુમાન છે. એક જ અઠવાડિયામાં બે અલગ અલગ અધિવેશન હોવાથી સમાજના લોકોમાં અસંમજસની સ્થિતિ સર્જાઈ છે.