Wed Jun 10 2026

Logo

લાતુર ટ્રિબ્યુનલનો ઐતિહાસિક ચુકાદો: વડીલોની સંભાળ નહીં રાખતા પૌત્રની 'ગિફ્ટ ડીડ' રદ

2026-06-09 21:45:22
Author: Mumbai Samachar Team
Article Image

લાતુરઃ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાની ટ્રિબ્યુનલે 89 વર્ષીય મહિલાની સંભાળ અને ભરણપોષણ પૂરું પાડવામાં નિષ્ફળ પૌત્ર અને પ્રપૌત્રને વૃદ્ધાએ કરેલી ગિફ્ટ ડીડ (બક્ષિસ દસ્તાવેજ) રદ કરી નાખવાનો મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો.

વરિષ્ઠ નાગરિકોની સંભાળ રાખવી માત્ર નૈતિક જવાબદારી નથી, પરંતુ મિલકત ટ્રાન્સફર કરતી વખતે આવી ખાતરીઓ કાયદેસર રીતે લાગુ પાડી શકાય તેવી શરત પણ છે, એમ સિનિયર સિટીઝન્સ ટ્રિબ્યુનલના પ્રિસાઇડિંગ ઓફિસર રોહિણી નરહે-વિરોલેએ આદેશમાં જણાવ્યું હતું. 18 માર્ચે જારી કરાયેલા આદેશની નકલ સોમવારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કેસ લાતુર જિલ્લાના કારસા ગામમાં ત્રણ હેક્ટર ખેતીની જમીનનો હતો.

કેસના રેકોર્ડ મુજબ હૌસાબાઈ લહાડેએ તેમના પૌત્ર અને પ્રપૌત્રના નામે રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડ દ્વારા મિલકત ટ્રાન્સફર કરી હતી. આ ટ્રાન્સફર એ સમજૂતી પર કરવામાં આવ્યું હતું કે લાભાર્થીઓ તેમની સંભાળ રાખશે. 

જોકે, એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે લાભાર્થીઓ તેમની જવાબદારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા, જેના કારણે વૃદ્ધ મહિલાએ વાલીઓ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ, 2007 હેઠળ કાનૂની હસ્તક્ષેપ કરવાની ફરજ પડી.

ટ્રાન્સફર સાથે જોડાયેલી શરતોનું ઉલ્લંઘન થયું હોવાનું નોંધીને, ટ્રિબ્યુનલે રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડ રદ કરવાનો આદેશ આપ્યો. વધુમાં ડીડના આધારે કરવામાં આવેલી રેવન્યુ 'મ્યુટેશન એન્ટ્રી'ઓને તાત્કાલિક રદ કરવાનો પણ નિર્દેશ આપ્યો, જેનાથી મૂળ માલિકી હકોનું રક્ષણ થઈ શકે.

ટ્રિબ્યુનલે વિવાદિત સમયગાળા દરમિયાન જમીનમાંથી મેળવેલા કોઈ પણ સરકારી લાભો, સબસિડી, પાક વીમાના દાવાઓ અથવા અન્ય નાણાકીય લાભો પણ વ્યાજ સાથે પરત કરવાનો પણ આદેશ આપ્યો હતો.

વધુમાં કોર્ટે સૂચના આપી હતી કે ભવિષ્યમાં મિલકતના સંબંધમાં કોઈ દખલગીરી કે અવરોધ નડવો જોઈએ નહીં. ટ્રિબ્યુનલે મિલકત ટ્રાન્સફર દસ્તાવેજોમાં વડીલોની જાળવણી અને સંભાળની જવાબદારીઓને સ્પષ્ટપણે સમાવિષ્ટ કરવાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો.

(પીટીઆઈ)