Mon Jul 06 2026

Logo

અલખનો ઓટલોઃ પી લે પ્યાલા હો મતવાલા...

2026-07-06 09:45:00
Author: Dr. Niranjan RajyaGuru
Article Image

 

ડૉ. નિરંજન રાજ્યગુરુ

કબીર સાહેબ દ્વારા ગવાયેલ સધુક્કડી હિન્દી ભાષાના પ્યાલા પ્રકારના આ પદમાં સદ્ગુરુની પ્રાપ્તિ થયા પછી, મનને પૂરી રીતે પામી લીધા પછી એક જાતનો આનંદ- એક જાતની ખુમારી- એક જાતનો નશો ને પ્રસન્નતા પ્રગટે છે, એનું બયાન છે.
 
સાધક એ વખતે એવી ભાવદશામાં હોય કે સામાન્ય માનવી એને પાગલ કે ગાંડા તરીકે ઓળખે. આપણે ત્યાં લગભગ દરેક સંતકવિઓએ આ પ્રકારની રૂપક રચનાઓ આપી છે. એમાં યે પ્યાલા પ્રકારની રચનાઓના સર્જનમાં કબીરસાહેબ વિશેષ સફળ થયા છે. રૂપકાત્મક અને યોગમૂલક પરિભાષામાં, પ્યાલાની ખુમારી વર્ણવતાં ભજનોમાં સાધનામાર્ગે ચાલનારા સાધકોને પણ માર્ગદર્શન અપાયું હોય છે. 

શરીરનાં છ ચક્રો, એનાં સ્થાન, એના દેવી-દેવતા, એનો રંગ, એની જાગૃતિ વખતે થતો અનુભવ વગેરે બાબતો આ જાતની ‘પ્યાલા’ ભજન રચનાઓમાં જોવા મળે છે. આપણા સંતકવિઓ ગાય છે : ‘જ્યાં અનંતકોટિ સૂર્યનો પ્રકાશ ઝળહળી રહ્યો છે અને અનાહત નાદના રણુંકાર અને ઝણુંકારનું ગુંજન થઈ રહ્યું છે ત્યાં ધીરજ ધરીને, આસન અખાડા બાંધીને આરોહણ કરવાનું છે. એની પરખ એની કસોટી તો કોક પારખું-માલમી-જાણકાર-મારમી સદ્દગુરુ જ કરી શકે. એનો ખેલ કોક મરજીવા પામી શકે. જેણે મૂળ સત્ય સનાતન શબ્દને જાણી લીધો છે એવા સુગરા હોય ઈ જ આ રસ પ્યાલા ભરી ભરીને પીવે, બીજા નુગરા તો એમાં નિરાશ જ થાય...’    

રામરસ પ્યાલા હૈ ભરપૂર પીયો રે કોઈ ઘટક ઘટક ઘટક઼..    
ગુરુ લાગી શબદ રી ચોટ, કલેજામેં ખટક ખટક ખટક઼.
સદગુરુ શબદકી ચોટ લગી હે, કલેજા બિચમેં ખટક ,                                       
નૂરત સૂરતકી સીડી પકડ કર, ચઢ જાવ સંતો ચટક ચટક઼.
                                   -રામરસ પ્યાલા હૈ ભરપૂર...0

તનકો ખોજો, મનકો ધોજો, ચડેગા પ્રેમરસ ચટક,    
ઈસ કાયામેં ચોર કું પકડો, મનવાકુ મારો તુમ પટક પટક પટક઼.
સાધક સિદ્ધક કછુ નવ સાધે, ઐસી માયા કી હૈ લટક,
તીરથ બરત જો કુછ કરના, વો તો હૈ મરના ભટક ભટક ભટક઼..
                                   -રામરસ પ્યાલા હૈ ભરપૂર....0    

અધર બાંસકો ખેલ રચ્યો હૈ, ચઢે સો શૂરા કોઈ નટક 
દાસ કબીર કી જ્ઞાન ગોદડી, બીછાલો સંતો કોઈ ઝટક ઝટક ઝટક઼.
                                   -રામરસ પ્યાલા હૈ ભરપૂર....0

આત્મસાધનામાં આવી ખુમારી તો એકાન્તમાં જ આવે. એકાન્ત એટલે એકનો પણ અંત. એકાંત કપરામાં કપરું હોય છે, ત્યારે આપણી વૃત્તિઓ સ્થિર થતી નથી. એકલા હોઇએ ત્યારે ત્રણ- ચાર બાબતો ખાસ સંભાળી લેવાય તો જ  ત્રિવેણી સંગમ ઊભો થાય. મન, શરીર અને સમય. આ ત્રણેય જો અનુકૂળ હોય તો જ સાધકને સ્થિર બેસવા દેશે. જો ત્રણમાંથી એકપણ સ્થિર ન હોય કે સાથ ન આપે તો ત્રિવેણી બને જ નહીં.  

મન, શરીર અને સમય એ ત્રણે ભેગા થાય, અનુકૂળ થાય, એક સમાન ભૂમિકાએ હોય એનું નામ ત્રિવેણી સંગમ શરીર અને મન અનુકૂળ હોય પણ સમય નથી મળતો તો ? શરીરને બેસવું તો છે મન પણ થાય છે પણ સમયની અનુકૂળતા નથી પડતી. ક્યારેક સમય અનુકૂળ હોય, શરીર અનુકૂળ છે, પણ મનની અનુકૂળતા નથી તો ? આ ત્રણેય સરખા સહકાર આપે ત્યારે જ આ જાતની અધ્યાત્મ અનુભૂતિ થતી હોય છે. 
    
કબીરજી કહે છે : મન જો સોનું હોય ને તો સોનીને બોલાવી એને ભઠ્ઠીમાં નાખી અંદર ખાર ભભરાવું એટલે એનો મેલ બળી જાય. મન જો હાથી હોય ને તો લોઢાંની સાંકળુંમાં બાંધું ને અંકુશથી ધીમે ધીમે ચલાવું. મન જો સાપ હોય તો કરંડિયામાં પૂરી મોરલીના નાદે ડોલાવું પણ મન આમાનું કાંઈ નથી. એને વશ કરવાના ઉપાય તો બીજા જ છે. એ ઉપાય યોગી અને જ્ઞાનીને જ આવડે. મન કી હારે હાર હે, મન કી જીતે જીત, મન મિલાવે રામકું, મન હી કરે ફજીત... મનની સામે તમે હારી જાવ તો બધે તમારી હાર થવાની. 

મનકી જીતે જીત... મનને જીતી લીધું તો બધેય વિજય થવાનો. મન ભગવાનનો સાક્ષાત્કાર કરાવે અને એ જ મન સમાજમાં ફજેતી પણ કરાવે. તમે મનનો ઉપયોગ કેમ ર્ક્યો તેના ઉપર આધાર છે. એકવાર મન મરી જાય, બંધાઈ જાય, કાબૂમાં આવી જાય પછી મૃત્યુનો કોઈ ભય રહેતો નથી, પોતાની ભીતરનો અહંકાર ઓગળી ગયો હોય એના ચોરાશીના ફેરા પછી ટળી જ જાયને મન પવનને બાંધ્યાં હોય એવા સાધક જ એનો ઉપદેશ આપી શકે.

પણ એવી દૃષ્ટિ, એવો ભાવ, એટલી ઊંચી ભાવના તો ત્યારે જ આવે જ્યારે કોઇની સામે રાગ ન હોય, દ્વેષ ન હોય. એ દૃષ્ટિ ગુરુની કૃપાથી જ આવે. ખાધેલું પચ્યા પછીથી જ શક્તિ મળે, પણ જો ખાધા પછી પચે નહીં તો શું? સરસ જમણ જમાડ્યું હોય, પણ ક્યાંક તાવ આવે, ઝાડો થઇ જાય, ઊલટી થઇ જાય, પચે જ નહિ તો ? માટે ભોજન કે વિચાર સારી રીતે પચવાં જોઇએ તો એની શક્તિ મળે અને એ પચાવવા માટે પણ પોતાના અંતરાત્માના સાંનિધ્યમાં હળવાશથી બેસવું પડે.