Mon Jun 01 2026

Logo

બિલ ગેટ્સની પબ્લિક ઇમેજ પર લાગ્યો આ 'દાગ'! 2026માં માઈક્રોસોફ્ટની તમામ મોટી ઈવેન્ટ્સમાંથી પત્તું કપાયું

2026-06-01 12:18:00
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ જ્યારે પણ ટેક સેક્ટરમાં પ્રભાવશાળી લોકોની વાત થાય છે, ત્યારે બિલ ગેટ્સ (Bill Gates) નું નામ પણ હંમેશાં આદરથી લેવામાં આવે છે. માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક (Co-Founder) બિલ ગેટ્સે પોતાની પબ્લિક ઇમેજ બનાવવામાં દાયકાઓ (વર્ષો) વિતાવ્યા છે, પરંતુ જેફરી એપ્સ્ટિન (Jeffrey Epstein) ફાઇલમાંથી સામે આવેલા નવા ખુલાસાઓ બાદ, તેમની આ સાવચેતીપૂર્વક બનાવેલી ઇમેજ હવે વિવાદોમાં સપડાઈ છે. બિલ ગેટ્સ તાજેતરમાં જાહેર થયેલી જેફરી એપ્સ્ટિન ફાઇલમાંથી સામે આવેલા સૌથી ચર્ચિત નામોમાંના એક રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુનેગાર જેફરી એપ્સ્ટિન સાથેનું તેમનું જોડાણ હવે તેમની સાવચેતીપૂર્વક બનાવેલી પબ્લિક ઇમેજ અને માઇક્રોસોફ્ટની હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ્સમાં તેમની ભાગીદારી પર અસર કરી રહ્યું છે.

બિલ ગેટ્સને કરી દીધા સાઇડલાઇન

એક નવા રિપોર્ટ મુજબ, આ વર્ષે ગેટ્સને ઘણી હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ્સમાંથી સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. મે મહિનાના મધ્યમાં યોજાયેલી માઈક્રોસોફ્ટની વાર્ષિક સીઈઓ (CEO) સમિટમાં પણ તેમને બોલાવવામાં આવ્યા ન હતા, જ્યાં ગેટ્સની હંમેશા એક મહત્વની ભૂમિકા રહી છે. આ ઈવેન્ટના થોડા અઠવાડિયા પહેલાં, આ બાબત સાથે જોડાયેલા લોકોએ પબ્લિકેશનને જણાવ્યું હતું કે ગેટ્સની ટીમને કહી દેવામાં આવ્યું હતું કે, એ વધુ સારું રહેશે જો તેઓ વોશિંગ્ટન સ્થિત પોતાના ઘરે CEOs માટે ડિનર હોસ્ટ ન કરે, જે તેઓ સામાન્ય રીતે દર વખતે કરતા હોય છે.

ફેબ્રુઆરીમાં નવી દિલ્હીમાં યોજાયેલી AI સમિટમાં બિલ ગેટ્સ ભાષણ આપવાના હતા, પરંતુ સરકારી અધિકારીઓને ચિંતા હતી કે એપ્સ્ટિનના ખુલાસા પર મીડિયાનું ધ્યાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પરના ઈવેન્ટના મુખ્ય ફોકસને દબાવી શકે છે. આ કારણે ગેટ્સ છેલ્લી ઘડીએ સમિટમાંથી હટી ગયા હતા, અને બાદમાં બંને પક્ષોએ આ નિર્ણયને પરસ્પર સંમતિથી લીધેલો ગણાવ્યો હતો.

બિલ ગેટ્સને લઈને શું વિવાદ છે?

બિલ ગેટ્સને લઈને ટીકા જસ્ટિસ ડિપાર્ટમેન્ટ (ન્યાય વિભાગ)ની ફાઇલોમાંથી મળેલી વિગતો બાદ શરૂ થઈ, જેનાથી કથિત રૂપે જાણવા મળે છે કે તેઓ એપ્સ્ટિનને ઘણી વખત મળ્યા હતા, જ્યારે કે તે સમયે તેમની પત્ની મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સે આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. દસ્તાવેજો પરથી એ પણ જાણવા મળ્યું છે કે એપ્સ્ટિન ગેટ્સના કેટલાક લગ્નેતર સંબંધો (એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ) વિશે જાણતો હતો અને ગેટ્સના બે નજીકના સલાહકારોએ 2019 સુધી એપ્સ્ટિનને સેંકડો મેસેજ પણ કર્યા હતા.

ગેટ્સે વારંવાર કહ્યું છે કે એપ્સ્ટિનને મળવું એ એક ભૂલ હતી અને તેમણે કોઈ પણ ગેરકાનૂની પ્રવૃત્તિમાં સામેલ હોવાનો ઇનકાર કર્યો છે. એક પ્રવક્તાએ જણાવ્યું કે ગેટ્સ એપ્સ્ટિનની તમામ ફાઇલો જાહેર કરવાનું સમર્થન કરે છે અને યુએસ કોંગ્રેસના તપાસકર્તાઓ સાથે સહયોગ કરવા તૈયાર છે. જોકે, ગેટ્સને લઈને તપાસ હજુ પૂરી થઈ નથી. તેઓ જૂન મહિનામાં એક કોંગ્રેસ કમિટી (સંસદીય સમિતિ) સમક્ષ હાજર થવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે જ આ એપ્સ્ટિન વિવાદ તેમની વર્ષોની મહેનતથી બનાવેલી પબ્લિક ઇમેજ પર ગ્રહણ લગાવી રહ્યો છે.