Mon Jul 27 2026

Logo

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં 3 આતંકીઓ છુપાયા હોવાના ઈનપુટ, સર્ચ ઑપરેશન દરમિયાન ફાયરિંગથી ઘર્ષણ

2026-05-23 15:43:16
Author: Mumbai Samachar Team
Article Image

રાજૌરીઃ જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી અને ભારતીય સેનાના જવાનો વચ્ચે ઘર્ષણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. દોરીમાલના જંગલમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષા ટુકડીના જવાનો સામસામે આવી ગયા હતા. સૈન્યને મળેલા એક ઈનપુટ અનુસાર આ વિસ્તારમાં ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓ છૂપાયા હોવાની વાત મળી હતી. ભારતીય સૈન્ય તરફથી હજું ઑપરેશન ચાલું હોવાની વાત જાણવા મળી રહી છે. જંગલ વિસ્તારમાં જવાનોએ સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ એમના પર ફાયરિંગ કર્યું હતું. 

નક્કી કરી લો શું કરવું છે?

ગત અઠવાડિયામાં સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્રસિંહ દ્વિવેદીને પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, જો પાકિસ્તાન આતંકીઓને શરણું આપશે અને ભારતની વિરૂદ્ધમાં આતંકી પ્રવૃતિઓ ચાલું રાખશે તો તેમણે નક્કી કરી લેવું પડશે કે, ભૂગોળનો ભાગ બની રહેવું છે કે, ઈતિહાસના પાનામાં સમેટાઈ જવું છે? ઑપરેશન સિંદૂરને એક વર્ષ પૂરા થવા પર તેમણે આ પ્રકારની વાત કરી હતી. એમની આ વાતથી પાકિસ્તાનને મેસેજ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતનું આતંકવાદને લઈને વલણ પણ સ્પષ્ટ કરી દીધું હતું. આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય સેના દ્વારા એલાન કરવામાં આવ્યું હતું કે, કિશ્તવાડમાંથી આતંકી નેટવર્કનો સફાયો થયો છે. 

માસ્ટમાઈન્ડને ફૂંકી મરાયો

ભારતીય સૈન્ય દ્વારા સાત આતંકવાદીઓની તસવીર પણ જાહેર કરવામાં આવી હતી. આ સાથે એવું પણ લખવામાં આવ્યું હતું કે, 326 દિવસ બાદ કિશ્તવાડમાં સમગ્ર આતંકી નેટવર્કનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશનો કમાન્ડર આતંકી સૈફુલ્લાહ પણ સામેલ હતો. આ કિશ્તવાડમાં થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.આ સિવાય જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સૈન્યની જાસૂસી સંસ્થા દ્વારા પણ કિશ્તવાડમાં થયેલા ઘર્ષણમાં લડી રહી હતી.આ માટે એજન્સી દ્વારા ચોક્કસ ઈનપુટના આધારા કાર્યવાહી કરવામાં આવી હતી. સૈન્યના જવાનોએ એક ખાસ પ્લાનિંગ અને ઑપરેશન દ્વારા અહીંયાથી આતંકીઓનો ખાતમો બલાવ્યો હતો.