Tue Sep 01 2026

Logo

રેલવેનો મોટો નિર્ણય: ભાવનગર પરા યાર્ડના આધુનિકીકરણ માટે રૂ. 125 કરોડ કર્યા મંજૂર

2026-09-01 17:46:36
Author: Mayur Patel
રેલવેનો મોટો નિર્ણય: ભાવનગર પરા યાર્ડના આધુનિકીકરણ માટે રૂ. 125 કરોડ કર્યા મંજૂર

ભાવનગરઃ  ભારતીય રેલવેએ રૂ. 125 કરોડના ખર્ચે ભાવનગર પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ ભાવનગર પરા ખાતે વધારાની સંચાલન ક્ષમતા ઊભી કરીને અને મુસાફરો માટેની સુવિધાઓમાં સુધારો કરીને ભાવનગરમાં રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. આ પ્રોજેક્ટ સ્ટેબલિંગ અને અન્ય સંચાલકીય કામગીરીને ભાવનગર પરા ખાતે ખસેડીને ભાવનગર ટર્મિનસ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મદદ કરશે. આનાથી ટ્રેનોનું સંચાલન વધુ સરળ બનશે, રેક અટકી રહેવાનો સમય ઘટશે અને ટ્રેનોની સમયપાલનતા સુધારવામાં મદદ મળશે. ભાવનગર પરા ખાતેનું વધારાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રેનોની અવરજવરનું બહેતર સંચાલન કરવામાં મદદ કરશે અને વધુ સંચાલકીય સુગમતા પૂરી પાડશે.

રિમોડેલિંગ કામગીરીમાં ચાર લૂપ લાઈનો, એક એન્જિન રિવર્સલ લાઈન, એઆરટી અને એઆરએમઈ સાઇડિંગ, સ્ટેશન અને ઈઆઈ બિલ્ડિંગનું સ્થાનાંતરણ, એક હાઈ-લેવલ પેસેન્જર પ્લેટફોર્મ, હાલના પ્લેટફોર્મનું વિસ્તરણ, હાલના ફૂટ ઓવર બ્રિજનું  વિસ્તરણ અને એક નવા ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ સામેલ છે. આ પ્રોજેક્ટમાં બે રોડ અંડર બ્રિજ પણ સામેલ છે. જેમાં એક નવો રોડ અંડર બ્રિજ અને હાલના રોડ અંડર બ્રિજનું વિસ્તરણ—તેમજ સર્વિસ બિલ્ડિંગો અને સંલગ્ન ઈલેક્ટ્રિકલ તથા સિગ્નલિંગની કામગીરીનો સમાવેશ થાય છે.

ભાવનગર પરા સ્ટેશન પર નવા હાઈ-લેવલ આઇલેન્ડ પ્લેટફોર્મ, પ્લેટફોર્મ નંબર 2ના વિસ્તરણ અને શાનદાર ફૂટઓવર બ્રિજ કનેક્ટિવિટી દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો થશે. આ સુવિધાઓ મુસાફરો માટે અવરજવર અને પ્રવેશને વધુ સરળ બનાવશે.

ભાવનગર પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટ ભાવનગરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને મુસાફરોની સેવાઓમાં સુધારો કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. ભાવનગર ટર્મિનસ પર ભીડ ઘટાડીને અને વધારાની ટર્મિનલ ક્ષમતાનું નિર્માણ કરીને, આ પ્રોજેક્ટ વધુ સરળ અને સમયસર ટ્રેન સંચાલનને ટેકો આપશે. સુધારેલા પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ કનેક્ટિવિટી અને અન્ય પેસેન્જર સુવિધાઓ ભાવનગર અને તેની આસપાસના વિસ્તારોમાં મુસાફરી કરતા લોકોની સુવિધામાં વધુ વધારો કરશે.