Mon Oct 05 2026

Logo

ભચાઉ રેલવે સ્ટેશને લિફ્ટમાં 3 મુસાફરો ફસાયા, સુરક્ષા અંગે સવાલો

2026-09-22 18:22:05
Author: Chandrakant Kanoja
ભચાઉ રેલવે સ્ટેશને લિફ્ટમાં 3 મુસાફરો ફસાયા, સુરક્ષા અંગે સવાલો

Chat GPT Generated Image


 

ભચાઉ: આધુનિક સુવિધાઓ સાથે " મોડેલ" તરીકે વિકસાવાયેલા ભચાઉ રેલવે સ્ટેશન પર આજે લિફ્ટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતાં ત્રણ મુસાફરો ફસાઈ જવાનો બનાવ બન્યો હતો. ટ્રેન પકડવાની ઉતાવળ વચ્ચે લિફ્ટ અધવચ્ચે અટકી પડતાં મુસાફરોમાં ગભરાટ અને સ્ટેશન પરિસરમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ત્રણેય મુસાફરો લિફ્ટની અંદર જ પુરાઈ ગયા હતા

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ભુજથી મુંબઈ તરફ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેન પકડવા માટે ત્રણ પ્રવાસીઓ પ્લેટફોર્મ બદલવા લિફ્ટમાં સવાર થયા હતા.  
આ દરમિયાન અચાનક લિફ્ટ બંધ પડી જતાં ત્રણેય મુસાફરો લિફ્ટની અંદર જ પુરાઈ ગયા હતા. ટ્રેનનો સમય નજીક હોવા અને બંધ લિફ્ટમાં શ્વાસ રુંધાવા જેવી સ્થિતિ વચ્ચે પ્રવાસીઓએ બૂમાબૂમ કરતાં અન્ય મુસાફરો અને રેલવે સ્ટાફ સ્થળ પર દોડી આવ્યા હતા.

ભચાઉ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાઇ 

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ભચાઉ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી. જોકે, ફાયર ફાઈટરો સ્થળ પર પહોંચે તે પહેલાં જ સ્થાનિક રેલવે કર્મચારીઓ અને હાજર લોકોના સંયુક્ત પ્રયાસોથી લિફ્ટનો દરવાજો ખોલી તમામ ત્રણેય મુસાફરોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. મુસાફરો સુરક્ષિત બહાર આવતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાને પગલે 'મોડેલ' રેલવે સ્ટેશન પર લિફ્ટ અને એસ્કેલેટર જેવી અત્યાધુનિક સુવિધાઓના નિયમિત મેઈન્ટેનન્સ સામે મુસાફરોમાં ભારે રોષ અને ચર્ચા જોવા મળી હતી.

(ઉત્સવ વૈધ)