અમદાવાદઃ થોડા દિવસ પહેલા ગુજરાતના અમરેલી જિલ્લામાંથી એસ ડી પે સ્કેમનો પર્દાફાશ પોલીસે કર્યો હતો અને તે સમયે આ કૌભાંડ રૂ. 635 કરોડનું હોવાની આશંકા પોલીસે જતાવી હતી, પરંતુ જેમ જેમ આરોપીઓની સિસ્ટમમાંથી ડેટા મળતા ગયા તેમ તેમ હવે આ કૌભાંડ ભયાનક હોવાનું પોલીસને જણાઈ રહ્યું છે. અહેવાલો દ્વારા મળતી વિગતો અનુસાર આ કથિત કૌંભાંડના ભોગ છ રાજ્યના લગભગ 15 લાખ લોકો બન્યા છે અને લગભગ રૂ. 2000 કરોડની કથિત છેતરામણી કરવામાં આવી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર એસડી પે કૌભાંડ મૂળભૂત રીતે ડિજિટલ વોલેટ એપના નામે બનેલી એક મલ્ટીલેવલ માર્કેટિંગ યોજના હતી, જેમાં યુઝર્સને વોલેટ બેલેન્સ પર 9% માસિક કેશબેકના વચનો આપીને લલચાવવવામા આવતા હતા.
આ નેટવર્ક કથિત રીતે 15-લેયરમાં રેફરલ સિસ્ટમ દ્વારા કાર્યરત હતું, જેમાં શરૂઆતના રોકાણકારો નવા સભ્યો લાવતા હતા અને પછીથી પૈસા ઉપાડવાનું બંધ કરી શેલ કંપનીમાં નાણા ઠાલવવામાં આવતા હતા. પોલીસને હવે શંકા છે કે કુલ રકમ 2,000 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. આ ભારતના મોટા કૌભાંડોમાંનું એક સાબિત થાય તેમ લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસારએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ અનૌપચારિક રીતે તપાસમાં જોડાય તેવી શક્યતા છે.
અમરેલી પોલીસની તપાસ અનુસાર મુખ્ય આરોપી ધવલ પટેલ અને નરેન્દ્ર સોલંકીએ અપના પે નામથી તેમના ઓપરેશન મહારાષ્ટ્ર ખસેડ્યા હતા. આ ઓપરેશન નરેન્દ્ર કાંગરેને સોંપવામાં આવ્યા હોવાનો આરોપ છે, જેનું નામ આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને તે ફરાર છે. તેની સામે લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે અને તેને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યો છે, તેવી માહિતી અહેવાલ દ્વારા મળી હતી.
નવ આરોપીમાંથી પટેલ અને સોલંકી બે પોલીસ પક્કડમા આવ્યા છે. સોલંકી અગાઉ યુપીઆઈ આધારિત કામ કરતી કંપનીમાં નોકરી કરતો હતો. શરૂઆતમાં આ છેતરપિંડી મોટાભાગે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી મર્યાદિત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ હવે તે કર્ણાટક, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ ફેલાયેલી હોવાનું જણાઈ રહ્યું છે. અમરેલી પોલીસે ગુગલ પ્લે સ્ટોર, ભારતીય રિઝર્વ બેંક અને બેંકિંગ સંસ્થાઓનો સંપર્ક કરીને આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિ અને તેમણે કથિત રીતે ઉપયોગમાં લીધેલી છટકબારીઓ વિશે વિગતો માંગી છે. પોલીસે અત્યાર સુધીમાં 350 પીડિતોના નિવેદન લીધા છે.