Fri Oct 02 2026

Logo

કવર સ્ટોરી: મુખ્ય ચૂંટણી કમિશનર શાસક પક્ષને કેમ કહી રહ્યા છે: `યસ સર'?!

2026-09-27 08:04:00
Author: Vijay Vyas
કવર સ્ટોરી: મુખ્ય ચૂંટણી કમિશનર શાસક પક્ષને કેમ કહી રહ્યા છે: `યસ સર'?!

- વિજય વ્યાસ

મતદારોની યાદીનું પુન: મૂલ્યાંકન `સર'ના નામે રાજ્યોની ચૂંટણીઓ વખતે આડેધડ નામ બાદ કરીને નવા મતદારોનાં નામ ઉમેરવાની ચૂંટણી પંચના મુખ્ય કમિશનર જ્ઞાનેશ કુમારની મનમાની નીતિ-રીતિ  વિરુદ્ધ એમના ખુદના બે સહયોગી કમિશનર સહિત વિપક્ષોએ જબરો ઊહાપોહ મચાવ્યો છે અને મહારાષ્ટ્ર, બંગાળ સહિત ચાર રાજ્યમાં ફરી ચૂંટણી યોજવાની માગણી કરી છે. ભારેલા અગ્નિ જેવા આ મામલામાં અંદરખાને શું બફાઈ ગયું એનું સ્ફોટક પૃથક્કરણ  

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 1 ઑગસ્ટ 2025ના દિવસે 2024ની લોકસભા ચૂંટણીમાં મોટા પાયે `મત ચોરી' કરીને ભાજપને જીતાડાયો હોવાના આક્ષેપ કર્યા ત્યારથી ભારતમાં `મત ચોરી'નો મુદ્દો ગાજે છે. રાહુલે પત્રકાર પરિષદ ભરીને દાવો કરેલો કે કૉંગ્રેસ પાસે 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભારે ગેરરીતિ કરાઈ હોવાના પુરાવા છે. રાહુલે એવો આક્ષેપ પણ કરેલો કે ચૂંટણીપંચ આ `મત ચોરી'માં સામેલ છે અને પંચે જ ભાજપ સાથેની સાંઠગાંઠમાં કારસો રચીને આ `મત ચોરી' કરી છે.

રાહુલે 7 ઑગસ્ટે કર્ણાટકની મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારમાં ભારતના ચૂંટણીપંચે તૈયાર કરેલી મતદાર યાદીઓમાં રહેલી કહેવાતી ગેરરીતિના કહેવાતા પુરાવા પણ રજૂ કરીને મતદાર યાદીમાં રહેલી વિસંગતતાઓ તરફ ધ્યાન દોરીને ફરી ચૂંટણી પંચ અને ભાજપ સામેના `મત ચોરી'ના આક્ષેપોને દોહરાવ્યા હતા, પણ પંચ અને ભાજપ બંનેએ આ વાતોને હારેલા નેતાની હતાશા અને બકવાસ ગણાવીને નકારી કાઢી હતી. ચૂંટણીપંચે તો એ પછી બિહાર વિધાનસભાની ચૂંટણીઓથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર-  SIR)ની શરૂઆત કરીને નવો વિવાદ છેડી દીધો હતો.

એસઆઈઆર-SIRના બહાને ભાજપવિરોધી મતદારોનાં નામ મતદાર યાદીમાંથી કાઢીને ભાજપને જિતાડવાના કારસા થતા હોવાના આક્ષેપો કરીને વિપક્ષોએ દેકારો મચાવી દીધો હતો. બિહારમાં મોટા પાયે મુસ્લિમ મતદારોનાં નામ કમી કરી દેવામાં આવેલા તેથી મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચેલો, પણ સુપ્રીમ કોર્ટે પહેલાં આકરા તેવર બતાવ્યા પછી ન જાણે કેમ SIRને લીલી ઝંડી આપતા દેશનાં બીજાં રાજ્યોમાં પણ આ પ્રક્રિયા હાથ ધરાઈ, પણ આ પ્રક્રિયા નિષ્પક્ષ રીતે હાથ ધરાતી નથી એવા આક્ષેપો સતત ચાલ્યા જ કરે છે. 

બિહારથી શરૂ થયેલી એસઆઈઆર-SIRની પ્રક્રિયા હેઠળ અત્યાર સુધીમાં અલગ અલગ રાજ્યોની મતદાર યાદીમાંથી 13 કરોડથી વધુ નામ હટાવવામાં આવ્યાં છે ને તેમાંથી મોટા ભાગના ભાજપવિરોધી મતદારો છે એવા આક્ષેપો થયા જ કરે છે. મોદી સરકાર ચૂંટણીપંચના માધ્યમથી પોતાની ઇચ્છા પ્રમાણેની મતદાર યાદીઓ તૈયાર કરાવીને ચૂંટણી જીતી રહી છે એવો વિપક્ષોનો દાવો છે.

ભાજપ અને ચૂંટણીપંચ બંને આ આક્ષેપોને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતાં હતાં કેમ કે રાજકીય પક્ષો દ્વારા આક્ષેપો થતા હતા. હવે અચાનક આ મામલામાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માટે જાણીતા અતિ પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારે સ્ફોટક રિપોર્ટ આપ્યો છે કે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર  SIRની પ્રક્રિયામાં મનમાની કરતા રહ્યા છે અને બાકીના બે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોષીને પણ ઘોળીને પી ગયા છે. આ સંધુ અને જોશીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછી 14 વખત સત્તાવાર રીતે ચૂંટણીપંચની કામગીરી અંગે વાંધો નોંધાવ્યો છે, પણ જ્ઞાનેશ કુમારે આ વાંધાઓને કાને ધર્યા નહી   ત્યારે સંધુ અને જોશીએ સત્તાવાર નોંધ કરી છે કે, ચૂંટણીપંચે ઘણા નિર્ણયો અને આદેશો અમને બન્નેને  જાણ કર્યા વિના જ લીધા તથા તેને લગતા આદેશો પણ બહાર પાડી દીધા હતા.! 

બંધારણીય જોગવાઈ પ્રમાણે ચૂંટણીપંચે કોઈ પણ નિર્ણય બહુમતીથી લેવાનો હોય છે. મતલબ કે બે કમિશનર    સહમત થાય એ નિર્ણય માન્ય ગણાય, પણ જ્ઞાનેશ કુમાર તો બાકીના બે કમિશનરને પૂછવાની તસદી સુધ્ધાં નહોતા લેતા અને સરમુખત્યારની જેમ વર્તતા હતા.

આ આક્ષેપ અત્યંત ગંભીર છે, પણ તેનાથી મોટો ધડાકો આ રિપોર્ટમાં એ છે કે જ્ઞાનેશ કુમારે રાજ્યના ચૂંટણી અધિકારીઓ મતદાર યાદીમાં નામ ઉમેરવાની, દૂર કરવાની કે સુધારવાની કામગીરી ના કરી શકે એવો ફતવો બહાર પાડ્યો હતો. બંધારણીય રીતે કોઈ પણ રાજ્યની મતદાર યાદીમાં સુધારો કરવાનો અધિકાર રાજ્યના અધિકારીઓને હોય છે, પણ જ્ઞાનેશ કુમારે સરમુખત્યારી વલણ બતાવીને આ અધિકારો છિનવી લીધા હતા અને સર્વાધિકાર પોતાના હસ્તક રાખ્યા  હતા.

જ્ઞાનેશ કુમારે આ અધિકારોનો ઉપયોગ શાસક પક્ષને ફાયદો થાય એવી મતદાર યાદીઓ બનાવવા માટે કર્યો એવો દાવો આડકતરી રીતે કરવામાં આવ્યો છે. જ્ઞાનેશ કુમારે આ માટે `ઈસીઆઈનેટ' સૉફ્ટવેરનો ઉપયોગ કરેલો. ચૂંટણીપંચે 22 જાન્યુઆરી, 2026ના રોજ દેશના લગભગ 100 કરોડ મતદારો માટે ઈસીઆઈનેટ (ECINet) નામની નવી ડિજિટલ સિસ્ટમ લૉન્ચ કરી હતી. એની હેઠળ  ચૂંટણીપંચની 40થી વધુ ઍપ્સ અને પોર્ટલને એક જ છત્ર હેઠળ આવરી લેવામાં આવ્યાં હતાં.

હકીકતમાં આ સિસ્ટમનો ઉપયોગ રાજ્યોના અધિકારીઓએ કરવાનો હતો, પણ જ્ઞાનેશ કુમારે રાજ્યોમાં કામ કરતા ચૂંટણી અધિકારીઓ માટે આ સિસ્ટમ બ્લૉક કરાવી દીધી હતી. દેશના કાયદા (પ્રતિનિધિત્વ અધિનિયમ) મુજબ મતદાર યાદીની જવાબદારી જિલ્લા અને સ્થાનિક અધિકારીઓની હોય છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને મતદાર નોંધણી નિયમો, 1960 મુજબ, દરેક વિધાનસભા બેઠકની મતદાર યાદીની સંપૂર્ણ જવાબદારી `ઇલેક્ટોરલ રજિસ્ટે્રશન ઑફિસર' (ERO)ની છે. સામાન્ય રીતે જિલ્લાના એસડીએમ અથવા તેના સમકક્ષ અધિકારી `ઇલેક્ટોરલ રજિસ્ટે્રશન ઑફિસર' હોય છે અને આ અધિકારી જ નવા મતદારોનાં નામ ઉમેરે છે, ફરિયાદો સાંભળે છે અને કોના નામ રહેશે અને કોના હટાવવામાં આવશે એ નક્કી કરે છે.

કાગળ પર હજુ આ સિસ્ટમ છે, પણ વાસ્તવમાં  રાજ્યોમાં કામ કરતા `ઇલેક્ટોરલ રજિસ્ટે્રશન ઑફિસર' પાસે નવું સૉફ્ટવેર વાપરવાના અધિકાર જ નથી. અધિકારીઓ સૉફ્ટવેરમાં શું કરી શકે છે અને શું ન કરી શકે તેનું સંપૂર્ણ નિયંત્રણ દિલ્હીમાં આઇટી વિભાગ પાસે છે. ચૂંટણીપંચનાં આઈટી ડિરેક્ટર સીમા ખન્નાની ટીમે જ્ઞાનેશ કુમારના ઇશારે અધિકારો છિનવ્યા પછી ખન્નાની ટીમ જ કોનાં નામ મતદાર યાદીમાં રાખવાં ને કોનાં કાઢી નાખવાં એ નક્કી કરે છે. સીમા ખન્નાને ખાસ આ મિશન માટે જ લાવવામાં આવેલાં એવો પેલા મૅગેઝિન રિપોર્ટમાં દાવો છે.

ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોષીએ તેની સામે પણ વાંધો લીધેલો અને કૅબિનેટ સેક્રેટરીને ફરિયાદ સુધ્ધાં કરેલી પણ એનું પરિણામ શૂન્ય આવેલું. આ ફરિયાદમાં બંને ચૂંટણી કમિશનરોએ એ મુદ્દો પણ ઉઠાવેલો કે નવા મતદારોને ઉમેરવા અને મતદાર યાદીમાંથી નામ હટાવવા જેવા નિર્ણયો અંગે પણ તેમને અંધારામાં રાખવામાં આવ્યા હતા. સંધુએ ફરિયાદ કરી હતી કે ચૂંટણીપંચે બે ચૂંટણી કમિશનરોની લેખિત સલાહ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

બંનેએ નવા મતદારો ઉમેરવા સંબંધિત કેટલાંક પગલાંને `અનધિકૃત અને ગેરકાયદે' ગણાવીને ચેતવણી આપેલી કે મતદાર ડેટાબેઝ માત્ર દિલ્હીમાં જ હોય અને રાજ્ય અધિકારીઓને કોઈ અધિકાર ના હોય તો તેના કારણે પંચની વિશ્વસનિયતા ધોવાઈ જશે. બંનેએ ઈસીઆઈનેટ સૉફ્ટવેરની વિશ્વસનીયતા અંગે પણ સવાલ કરેલા પણ કશું ના થયું. તેમણે પોતાના વાંધાઓની નકલો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મોકલેલી અને કેટલાક વાંધાઓને લગતી નોંધ સંબંધિત કાર્યની દેખરેખ રાખતા નાયબ ચૂંટણી કમિશનરોને પણ મોકલી હતી, પણ એ બધું કચરાટોપલીને સ્વહા કરી દેવામાં આવ્યું! 

બીજી તરફ, ચૂંટણીપંચે આ અહેવાલ પછી આઠ મુદ્દાઓની સ્પષ્ટતા કરી તેમાં પંચમાં બધું સર્વસંમતિથી ચાલતું હોવાના દાવો કર્યો છે, પણ એમની આ સ્પષ્ટતા ગળે ઊતરતી નથી. રિપોર્ટના આક્ષેપો અતિ ગંભીર છે અને એ સાચા હોય તો દેશમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ચૂંટણી પંચ ચોક્કસ પાર્ટીને જીતાડવા માટે મનમાની કરીને દેશના ચૂંટણીપંચને બદલે કોઈ પાર્ટીના નોકરિયાતની જેમ વર્તે એ અક્ષમ્ય છે. સુપ્રીમ કોર્ટે આ વાતની સુઓ મોટો લઈને સામેથી કાર્યવાહી કરવી જોઈએ કેમ કે બીજા કોઈને તો આ બધા ગાંઠવાના જ નથી.

વિરોધ કરનારાને રવાના કરી દેવામાં આવ્યા...

ચૂંટણીપંચની કામગીરી સામે સવાલો કરતા રિપોર્ટના કારણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણીપંચનાં આઈટી ડિરેક્ટર સીમા ખન્ના શંકાના દાયરામાં આવી ગયાં છે. 2025માં નૅશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટરમાંથી ચૂંટણીપંચમાં લાવવામાં આવેલાં ડૉ. સીમા ખન્નાએ લેવા માંડેલાં પગલાં સામે આઈટી વિભાગની દેખરેખ રાખતા વરિષ્ઠ આઈએએસ અધિકારી અને નાયબ ચૂંટણી કમિશનર સંજય કુમારે વાંધા ઉઠાવતાં પત્ર જ્ઞાનેશ કુમારને લખેલા પણ જ્ઞાનેશ કુમારે કોઈ પગલાં ના લીધાં. ઊલટાના સંજય કુમારને જ દૂર કરી દેવાયા હતા.

સંજયકુમારે 4 નવેમ્બર, 2025ના રોજ સીમા ખન્ના અને વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખીને સાફ કહેલું કે ઈઆરઓ અને જિલ્લા અધિકારીઓના કાયદાકીય અધિકારોમાં ઘટાડો નહીં થાય અને આઇટી સિસ્ટમને કાયદા અનુસાર જ ચલાવવી પડશે. 2 જાન્યુઆરી, 2026ના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સંજય કુમારે ફરીથી પત્ર લખેલો કે રાજ્યોના અધિકારીઓના અધિકારો જળવાવા જોઈએ પણ તેને અવગણીને ઈસીઆઈનેટ લૉન્ચ કરીને અધિકારો છિનવી લેવામાં આવ્યા.