Sat Oct 10 2026

Logo

હેં... ખરેખર! હરિહરેશ્વર મંદિર એટલે શ્રદ્ધા-સૌંદર્ય-સ્વાસ્થ્ય ને શક્તિનો સાક્ષાત્કાર...

2026-09-27 08:06:00
Author: Praful Shah
હેં... ખરેખર! હરિહરેશ્વર મંદિર એટલે શ્રદ્ધા-સૌંદર્ય-સ્વાસ્થ્ય ને શક્તિનો સાક્ષાત્કાર...

 

પ્રફુલ શાહ

મહારાષ્ટ્રના રાયગડ સ્થિત શ્રીવર્ધન તાલુકામાં હરિહરેશ્વર મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા ખરેખર જાણવા લાયક છે. હરિહરેશ્વરની પૌરાણિક કથા મુખ્યત્વે ભગવાન શિવ, બ્રહ્મા, વિષ્ણુ અને કાળભૈરવ સાથે જોડાયેલી છે.

 પૌરાણિક કથા મુજબ એક વાર ત્રણેય દેવતાઓ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ હરિહરેશ્વરના પવિત્ર પ્રદેશમાં આવ્યા હતા. આ સ્થાન ખૂબ પવિત્ર હોવાથી અહીં દેવતાઓએ તપ અને આરાધના શરૂ કરી દીધા. અન્ય એક માન્યતા પ્રમાણે, અહીં વિષ્ણુ અને શિવનું એકરૂપ સ્વરૂપ પ્રગટ થયું. તેથી આ સ્થાનનું નામ પડ્યું હરિહરેશ્વર: હરિ = વિષ્ણુ, હર = શિવ અને ઈશ્વર = પરમેશ્વર. આનો અર્થ એ કે અહીં શિવ અને વિષ્ણુના તત્ત્વનું ઐક્ય છે.

હવે કાળભૈરવની કથા. આ હરિહરેશ્વર ક્ષેત્રમાં કાળભૈરવને ક્ષેત્રપાળ છે. એટલે કે તેમને આ ક્ષેત્રના રક્ષક દેવ માનવામાં આવે છે. કાળભૈરવની પાછી અલગ કથા છે. 

પૌરાણિક પરંપરા પ્રમાણે ભગવાન મહાદેવે પોતાના એક ઉગ્ર સ્વરૂપ તરીકે કાળભૈરવને પ્રગટ કર્યા. આ કાળભૈરવનું કાર્ય પવિત્ર ક્ષેત્રનું રક્ષણ કરવાનું અને અધર્મનો નાશ કરવાનું હતું. આ કારણસર હરિહરેશ્વરની યાત્રામાં કાળભૈરવના દર્શનને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. સ્થાનિક ધાર્મિક પરંપરા પ્રમાણે તો સૌ પ્રથમ કાળભૈરવને વંદન કર્યા બાદ જ હરિહરેશ્વરના મુખ્ય મંદિરમાં દર્શન કરવાની માન્યતા છે.

આની સાથે સાવિત્રી અને હરિહરેશ્વરની કથા પણ વણાયેલી છે. બ્રહ્મા અને સાવિત્રીનો સંબંધ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશની અનેક ધાર્મિક પરંપરાઓમાં જોવા મળે છે. એ પ્રમાણે પ્રાચીન સમયમાં બ્રહ્મદેવે મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞ માટે તેમની પત્ની સાવિત્રીની હાજરી જરૂરી હતી. પરંતુ સાવિત્રી સમયસર પહોંચી ન શક્યાં. પરિણામે યજ્ઞનો શુભ સમય વીતી રહ્યો હતો. આથી બ્રહ્મદેવે બીજી સ્ત્રી સાથે વિધિ પૂર્ણ કરી દીધી. આ વાતની જાણ થતા સાવિત્રી એકદમ ક્રોધિત થઈ ગયાં. તેમણે શ્રાપ આપતાં બ્રહ્મદેવની ઉપાસના પૃથ્વી પર સાવ અત્યંત મર્યાદિત રહી ગઈ. ત્યાર બાદ સાવિત્રીનું જળસ્વરૂપ પ્રગટ થયું અને તેઓ નદી બનીને વહેવા લાગ્યાં. અત્યારે જે સાવિત્રી નદી અરબી સમુદ્રને મળે છે, તેની સાથે આ પૌરાણિક પરંપરા જોડાયેલી છે.

આ અનોખા યાત્રાધામ હરિહરેશ્વરનું એક વિશેષ ધાર્મિક રહસ્ય તેની ભૌગોલિક રચના સાથે જોડાયેલું છે. મંદિરની આસપાસના પર્વત અને સમુદ્ર-કિનારાને દેવતાઓના પવિત્ર નિવાસ સાથે સાંકળવામાં આવે છે. માન્યતા તો એવી પણ છે કે અહીં અનેક તીર્થો અને પવિત્ર સ્થળો વસેલા છે.

આ જ કારણોસર અહીંની પર્વત-દરિયાની આસપાસની પ્રદક્ષિણા સામાન્ય પ્રદક્ષિણાથી અતિ મહત્ત્વની માનવામાં આવે છે. ભક્તો તે શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરીને પુણ્ય પ્રાપ્ત કર્યાનો સંતોષ પામે છે.

જોકે હરિહરેશ્વરની પૌરાણિક કથાઓની વિવિધ સ્થાનિક આવૃત્તિઓ પણ છે. અલબત્ત, આ બધી કથા ધાર્મિક પરંપરા અને લોકમાન્યતાઓના આધારે છે તે સ્વાભાવિક છે. 

આ રીતે અહીં પર્વત, નદી અને સમુદ્ર ત્રણેનું ધાર્મિક મિલન જોવા મળે છે. ભક્તો માને છે કે હરિહરેશ્વરના દર્શન તથા પવિત્ર પ્રદક્ષિણા થકી પાપ, ક્ષય અને આધ્યાત્મિક પુણ્ય પ્રાપ્ત થાય છે.

હરિહરેશ્વર, હર્ષિણાચલ, બ્રહ્માદ્રિ અને પુષ્પાદ્રિ જેવા પર્વતોને ધાર્મિક મહત્ત્વ આપવામાં આવે છે. શ્રદ્ધા એવી છે કે આ પર્વતોની આસપાસ પગપાળા ફરવાથી ભગવાન શિવની પ્રદક્ષિણા સમાન પુણ્ય મળે છે. તેથી દરિયાકિનારે ખડકો વચ્ચેની આ મુશ્કેલ પરિક્રમા ફક્ત એક કુદરતી ટે્રક નથી, પરંતુ ધાર્મિક પ્રદક્ષિણા બની ગઈ છે.

હરિહરેશ્વર મંદિર આસપાસનો પ્રદક્ષિણા પર્વત માત્ર એક પર્વત નથી, પરંતુ દરિયાકિનારે આવેલા ખડકાળ ટેકરા અને શિલાનો સમૂહ છે. ભૂગર્ભશાસ્ત્રીય રીતે આ પર્વતો કેવી રીતે બન્યા હશે?

હરિહરેશ્વર હરિહરેશ્વર મંદિર કોંકણના પશ્ચિમ કિનારે આવેલું છે. આ સમગ્ર વિસ્તાર સહ્યાદ્રી પર્વતમાળા અને અરબી સમુદ્ર વચ્ચેના પ્રાચીન ભૂસ્તરીય પ્રદેશનો ભાગ છે.

અહીં મુખ્યત્વે પ્રાચીન બેસાલ્ટિક જ્વાળામુખી ખડકો જોવા મળે છે. કરોડો વર્ષ પહેલાં ડેક્કન ટે્રપ્સની વિશાળ જ્વાળામુખી પ્રવૃત્તિ દરમિયાન લાવાના અનેક સ્તરો ઠરીને આવા ખડકો બન્યા હતા.

પછી લાંબા સમય દરમિયાન વરસાદ અને પવનથી ખડકોનું ધોવાણ થતું રહ્યું. સાથોસાથ સમુદ્રના મોજાંએ દરિયાકિનારાના ખડકોને સતત કોતર્યે રાખ્યા. આમાં નરમ ભાગો ઝડપથી ઘસાઈ ગયા અને કઠણ ખડકના ભાગો ઊંચા રહી ગયા. આ રીતે ખડકાળ ટેકરીઓ, દરિયાઈ કિનારા અને કુદરતી શિલારચનાઓ આપમેળે વિકસતી ગઈ. આ રીતે આજે દેખાતા પર્વત કે ઊંચો ખડકાળ પ્રદેશ લાખો વર્ષના ધોવાણનું પરિણામ છે.

આ રીતે હરિહરેશ્વરની પ્રદક્ષિણા એટલે એક સાથે સમુદ્ર, પર્વત, ખડકો અને પુરાણનો એક સાથે અનુભવ. ભક્તજનો માટે તો શ્રદ્ધા, સૌંદર્ય, સ્વાસ્થ્ય (પગપાળા ચાલવાનો પ્રસાદ) અને શક્તિનો સાક્ષાત્કાર.