Sat Sep 12 2026

Logo

ગુજરાત બોર્ડર પર પાકિસ્તાનનું હની ટ્રેપ ષડયંત્ર: અનેક યુવાનો જાસૂસીના જાળમાં ફસાયા

2026-09-01 17:36:53
Author: Mayur Patel
ગુજરાત બોર્ડર પર પાકિસ્તાનનું હની ટ્રેપ ષડયંત્ર: અનેક યુવાનો જાસૂસીના જાળમાં ફસાયા

ભુજઃ  પાકિસ્તાની એજન્સી આઈએસઆઈ દ્વારા અગ્નિવીરોને હની ટ્રેપમાં ફસાવવાના કેસ વચ્ચે સરહદી કચ્છ અને બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાની આઈએસઆઈ એજન્ટોના નિશાના પર હોવાનો ચોંકાવનારો  ખુલાસો થયો હતો. છેલ્લા બે વર્ષમાં ગુજરાત એટીએસે કચ્છ, ઓખા અને પોરબંદર પટ્ટામાંથી પાંચથી વધુ જાસૂસીના કેસ પકડી પાડી પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની મહિલા હેન્ડલર્સ સોશિયલ મીડિયા પર ગ્લેમરસ પ્રોફાઈલ બનાવી યુવાનો અને સેના-બીએસએફ સાથે જોડાયેલા કામદારોને દોસ્તી અને પ્રેમની જાળમાં ફસાવે છે. કચ્છના દયાપરના કોન્ટ્રાક્ટ હેલ્થ વર્કર સહદેવસિંહ ગોહિલે અદિતિ ભારદ્વાજ નામે સંપર્ક કરનાર પાકિસ્તાની એજન્ટને સીમા સુરક્ષા દળ અને નેવીના નવા કેમ્પ તથા બાંધકામની માહિતી પૂરી પાડી હતી. આ બદલ તેને રોકડા રૂ ૪૦ હજાર ચૂકવાયા હતા અને તેણે પોતાના દસ્તાવેજોથી સીમકાર્ડ એક્ટિવેટ કરાવી ઓટીપી પણ પાકિસ્તાન મોકલ્યો હતો.

આ ઉપરાંત ૨૦૨૩માં કચ્છના નિલેશ વાલિયા નામના કમ્પ્યુટર ઓપરેટરને અદિતિ તિવારી નામની ફેક પ્રોફાઈલે ફસાવી બીએસએફના બિલ્ડિંગના ઈલેક્ટ્રિફિકેશનના ગુપ્ત દસ્તાવેજો મેળવ્યા હતા, જેના બદલે તેને રૂ.૨૮  હજાર મળ્યા હતા. આવી જ રીતે પોરબંદર અને ઓખામાંથી માછીમારો તથા કોસ્ટગાર્ડ બોટ રિપેરિંગના કર્મચારીઓ શિપ મુવમેન્ટ અને જહાજોના નંબર પાકિસ્તાની એજન્ટોને મોકલતા પકડાયા હતા.

બનાસકાંઠાના સુઈગામ, વાવ તેમજ કચ્છના લખપત, ખાવડા અને કોટેશ્વર જેવા સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં સેના અને બીએસએફની મોટી ઉપસ્થિતિ હોવાથી સ્થાનિક યુવાનોને ખાસ ટાર્ગેટ કરવામાં આવે છે. એટીએસ દ્વારા બોર્ડરના ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર અજાણી યુવતીઓ તરફથી આવતા શંકાસ્પદ મેસેજ અંગે સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર તરત જ જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
 
(ઉત્સવ વૈદ્ય)