Fri Sep 04 2026

Logo

થ્રી લેયર્સની સુરક્ષા છતાં કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહનો વીડિયો વાયરલ, સ્માર્ટ ગ્લાસ પહેરીને કોણ ગયું?

2026-09-01 14:07:00
Author: Mumbai Samachar Team
થ્રી લેયર્સની સુરક્ષા છતાં કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહનો વીડિયો વાયરલ, સ્માર્ટ ગ્લાસ પહેરીને કોણ ગયું?

વારાણસીઃ કાશી વિશ્વનાથ મંદિરની ત્રીસ્તરીય સુરક્ષાને માત આપીને એક યુવક મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી ગયો હતો. એટલું જ નહીં ગર્ભગૃહમાંથી વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ આરોપીએ સામાન્ય દેખાય એવા કેમેરાવાળા સનગ્લાસ પહેર્યા હતા. જેની મદદથી તેણે ગર્ભગૃહનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.આ વીડિયો પછી તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો હતો.આ કેસ સામે આવતા મંદિર સુરક્ષા સામે ફરી એકવાર સવાલ ઊભા થયા છે. મંદિર પરસિરમાં કોઈ જ પ્રકારના ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણ લઈને જઈ શકાતું નથી. 

વીડિયો વાયરલ થઈ ગયો
ગર્ભગૃહનો વીડિયો રેકોર્ડ કરીને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા યુવકના એકાઉન્ટમાંથી આ વીડિયો જંગલમાં લાગેલી આગની જેમ વાયરલ થઈ ગયો હતો. પછી મામલો ગરમાયો એટલે યુવકે આ વીડિયો ડિલિટ કરી નાંખ્યો હતો, પણ એ પહેલા આ વીડિયો  શૅર થઈ ગયો હતો. અનેક બીજા પ્લેટફોર્મ પર પોસ્ટ થઈ ગયો હતો. સુરક્ષા વ્યવસ્થામાં આ પ્રકારના છીંડા સામે આવતા ફરી એકવાર મંદિર સુરક્ષા સામે સવાલ થયા છે. મંદિર તંત્ર અને પોલીસે સમગ્ર મંદિર પસિરના સીસીટીવી ચેક કર્યા છે. સીસીટીવીની મદદથી યુવકની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ સવાલ એ થઈ રહ્યો છે કે, થ્રી લેયર્સ સિક્યોરિટી સિસ્ટમ, મેટલ ડિટેક્ટર અને સતત વૉચ હોવા છતાં સ્માર્ટ ગ્લાસ ગર્ભગૃહ સુધી પહોંચ્યા કેવી રીતે?મંદિરના વહીવટી તંત્રનં એવું કહેવું છે કે, આરોપી યુવકની ઓળખ કરી એની સામે કાયદેસરના પગલાં લેવાશે. 

વીડિયો પરથી તપાસ કરાશે
હવે દરેક પ્રવેશદ્વાર પર ચેકિંગ પ્રોટોકોલ વધારે કડક કરી દેવામાં આવશે. આ સાથે મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ચેકિંગની પ્રક્રિયાની પણ સમીક્ષા કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બીજીવાર ન થાય. એવો આરોપ છે કે યુવક મેટા એઆઈ કેમેરાવાળા ચશ્મા પહેરીને મંદિરમાં પ્રવેશ્યો હતો. તેણે જલાભિષેક (દેવતાને પાણી ચઢાવવાની ધાર્મિક વિધિ) અને મંદિર પરિસરનો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો. ત્યારબાદ આ વીડિયો ઝડપથી વાયરલ થયો. એસીપી દશાશ્વમેધ અતુલ અંજન ત્રિપાઠીએ જણાવ્યું હતું કે વાયરલ વીડિયોની સત્યતા ચકાસવામાં આવશે. મંદિર વહીવટીતંત્ર તરફથી ફરિયાદ મળતાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.