હુબલી (કર્ણાટક): જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) શનિવારે રણજી ટ્રોફીમાં નવો ઇતિહાસ સર્જવાની તૈયારીમાં છે. આ ઐતિહાસિક (Historical) ક્ષણોની શરૂઆત મંગળવાર, 24મી ફેબ્રુઆરીએ કર્ણાટક સામેની ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી)ના પ્રથમ દિવસે જ એણે કરી લીધી હતી અને ત્યાર પછી પારસ ડોગરાના સુકાનમાં આ ટીમે ગજબની દૃઢતા સાથે મૅચ પર એવી પકડ જમાવી કે રણજી ટ્રોફીનું પહેલું ટાઇટલ હવે એના હાથવેંતમાં છે.
શુક્રવારે આ પાંચ-દિવસીય ફાઇનલના ચોથા દિવસે જમ્મુ-કાશ્મીરનો બીજા દાવનો સ્કોર ચાર વિકેટે 186 રન હતો અને પ્રથમ દાવની 291 રનની સરસાઈ સહિત જમ્મુ-કાશ્મીરના ખાતે કુલ 477 રન હતા અને કર્ણાટક માટે શનિવારના આખરી દિવસે 500 રનની આસપાસનો લક્ષ્યાંક મેળવવો અશક્ય જેવો બની રહેશે.
જમ્મુ-કાશ્મીરનો ઓપનર કામરાન ઇકબાલ શુક્રવારે બીજા દાવમાં 94 રને રમી રહ્યો હતો. કર્ણાટકના પ્રસિદ્ધ ક્રિષ્નાએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
પ્રથમ દાવમાં જમ્મુ-કાશ્મીરે 584 રન કરીને જીતનો પાયો ત્યારે જ નાખી દીધો હતો. શુભમ પુંડીરે સેન્ચુરી (121 રન) કરી હતી, જ્યારે તેના કૅપ્ટન પારસ ડોગરા સહિત પાંચ બૅટ્સમેને હાફ સેન્ચુરી ફટકારી હતી. જો મૅચ ડ્રૉમાં જાય તો પ્રથમ દાવમાં સરસાઈ લેનાર ટીમ વિજેતા ઘોષિત થાય અને એમાં જમ્મુ-કાશ્મીર મેદાન મારી જશે, કારણકે કર્ણાટકની ટીમ પહેલા દાવમાં મયંક અગરવાલના 160 રન છતાં 293 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં જમ્મુ-કાશ્મીરને 291 રનની તોતિંગ લીડ મળી હતી.
આખી ટૂર્નામેન્ટમાં 60 વિકેટ લેનાર જમ્મુ-કાશ્મીરના પેસ બોલર ઑકિબ નબીએ કર્ણાટકના પ્રથમ દાવમાં પાંચ વિકેટ લીધી હતી અને હવે શનિવારે બીજા દાવમાં વધુ વિકેટ લઈને જમ્મુ-કાશ્મીરના ક્રિકેટ-ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી શકશે.