Tue Sep 01 2026

Logo

જળગાંવના અમલનેરમાં એક પરિવારના 4 સભ્યએ ટ્રેન નીચે ઝંપલાવી કરી આત્મહત્યા

2026-08-27 14:53:00
Author: Mumbai Samachar Team
જળગાંવના અમલનેરમાં એક પરિવારના 4 સભ્યએ ટ્રેન નીચે ઝંપલાવી કરી આત્મહત્યા

જળગાંવ: જળગાંવ જિલ્લાના અમલનેર તાલુકાના ટાકરખેડામાં અત્યંત આઘાતજનક ઘટના બની હતી. આજે વહેલી સવારે એક જ પરિવારના ચાર સભ્યોએ ચાલતી ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ મુદ્દે રેલવેના અધિકારીઓએ અમલનેર પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી. સૂચના મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહોનું પંચનામું કર્યું હતું. 

એક ઝટકામાં પરિવાર ખતમ
મૃતકોની ઓળખ સુનિલ અમૃત ભીલ (પતિ), પાર્વતી ભીલ (પત્ની), સની (પુત્ર) અને રાજ(પુત્ર) તરીકે કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પરિવાર ઘરેથી સવારે ચાર વાગ્યાના સુમારે નીકળ્યો હતો. જોકે, તેમણે ધરણગાંવ અને અમલનેર વચ્ચે રેલવે લાઈન પર ચાલતી ટ્રેન સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 

ઘર કંકાસ હોવાની શંકા 
એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ આપઘાત પારિવારિક ઝઘડાના કારણે થયો હશે, પરંતુ સુસાઇડનું ઓફિશિયલ કારણ જાણવા માટે પોલીસ તપાસ ચાલુ છે. એક જ પરિવારના બે માસુમ બાળકો અને તેમના માતા-પિતાના મૃત્યુથી સમગ્ર વિસ્તાર અને જિલ્લામાં લોકો શોક્ગ્રસ્ત બન્યા છે.

આ પહેલા તાજેતરની જ ઘટનામાં છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં એક પહાડ પરથી પડતું મૂકીને 19 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લીધી હતી. તેને બચાવવાના પ્રયાસોમાં પિતા પણ નીચે પડી ગયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું, જયારે બંનેને પડતા જોઈને આઘાતમાં સરી પડતા તેની માતાએ પણ છલાંગ લગાવી દીધી હતી. 

અન્ય એક ઘટનામાં લાતુર જિલ્લામાં એક ઘરેલુ વિવાદ બાદ એક પરણિત મહિલા એક બંશેલકી ડેમમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવવા માંગતી હતી, પરંતુ  પોલીસને આ બાબતે જાણ થતા તેઓ સમયસર આ સ્થળે પહોંચી ગયા હતા અને બાદમાં તેને સમજાવીને તેનો જીવ બચાવી લીધો હતો. 

ઘટના બાદ મહિલાને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી. ત્યાં તેણે પોલીસને જણાવ્યું કે તે છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી અને તેનો પતિ તેની સંભાળ રાખી રહ્યો નહોતો, તેથી દુઃખી થઈને તેણે આ પગલું ભરવાના પ્રયાસ કર્યા હતા.